દુર્ઘટના:મોપેડ સ્લીપ થતાં પુત્રી નહેરમાં ખાબકી માતા બચાવવા જતા તે પણ ડૂબી ગઈ

ઉમરેઠએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે બાઈક સાથે આવતાં માતાએ શોર્ટ બ્રેક મારતા ઘટના બની
  • રતનપુરા​​​​​​​ નહેરમાંથી સવારે પુત્રીનો મૃતદેહ મળ્યો, માતા લાપત્તા

ઉમરેઠ તાલુકાના રતનપુરા નહેર પાસે સોમવારે રાત્રિના સમયે માતાની ખબર કાઢીને પરત ફરી રહેલા માતા-પુત્રી રતનપુરા નહેર પાસેથી પસાર થતાં હતા. એ સમયે સામેથી આવી રહેલા બે બાઈકને લઈને મોપેડ સવાર માતાએ શોર્ટ બ્રેક મારી હતી. જેને પગલે મોપેડ સ્લીપ થતાં પાછળ બેઠેલી પુત્રી નહેરમાં પડી હતી. જેને બચાવવા માતાએ નહેરમાં ઝંપલાવ્યું હતું. જોકે, નહેર પાણીથી છલોછલ ભરેલી હોય બંને ડૂબી ગયા હતા. મોડી સાંજ સુધી બંનેનો કોઈ પત્તો મળ્યો નહોતો. દરમિયાન, મંગળવારે સવારે તરવૈયાઓએ તપાસ કરતાં પુત્રી મૃત હાલતમાં મળી આવી હતી.

જ્યારે માતા હજુ પણ લાપત્તા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ, ઉમરેઠ તાલુકાના મેઘવા ગામે રહેતા 35 વર્ષીય દર્શના મૃગેશ પટેલ અને તેમની 13 વર્ષીય પુત્રી માનસી સોમવારે સાંજે મોપેડ લઈને દર્શનાબેનના માતાની ભરોડા ખાતે ખબર કાઢવા ગયા હતા. દરમિયાન, સાંજના સમયે તેઓ પરત આવી રહ્યા હતા. મેઘવા જવા માટે રતનપુરા નહેર પાસેનો રસ્તો શોર્ટ કટ છે. જે સામાન્ય રીતે મોટાભાગના લોકો અપનાવતા હોય છે. મોપેડ લઈને માતા-પુત્રી બંને રતનપુરા નહેર પાસેથી પસાર થતા હતા.

દરમિયાન, એ સમયે સામેથી પુરપાટ ઝડપે બે બાઈક આવતાં મોપેડ સવાર દર્શનાબેને તેમના મોપેડને શોર્ટ બ્રેક મારી હતી. પાછળ બેઠેલી તેમની પુત્રી એ સમયે ઉછળીને નહેરમાં પડી હતી. આ અંગેની જાણ માતાને થતાં જ તેમણે કંઈ પણ વિચાર્યા વિના નહેરમાં ઝંપલાવ્યું હતું. જોકે, બંને પાણીથી છલોછલ નહેરમાં ડૂબવા લાગ્યા હતા. આ અંગેની જાણ આસપાસના લોકોને થતાં તુરંત જ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને મોડી રાત્રિ સુધી તેમની શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ બંનેમાંથી કોઈનો પત્તો મળ્યો નહોતો. બીજી તરફ સ્થાનિક તરવૈયા અને ફાયરબ્રિગેડ દ્વારા મંગળવારે સવારે પુન: તેમની શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં ઘટનાસ્થળેથી 15 ફૂટ દૂર માનસીનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, માતા હજુ પણ લાપત્તા છે. હાલમાં મોડી સાંજ સુધી તરવૈયાઓએ તેમની શોધખોળ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...