તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઉમરેઠના ભરોડા ગામમાં યુવકની હત્યા, હત્યાનું કારણ અકબંધ

ઉમરેઠ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના શરીર પર ઝપાઝપીના નિશાન મળી આવ્યા

ઉમરેઠ તાલુકાના ભરોડા ગામની પ્રાથમિક શાળાના કંપાઉન્ડમાં મધ્યાહન ભોજન યોજનાની ઓરડી પાસેથી ગામના યુવકનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક દૃષ્ટિએ યુવકની હત્યા થઈ હોવાનું ખૂલતાં જ ખંભોળજ પોલીસે આ મામલે અજાણ્યા શખસો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ભરોડા ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં શુક્રવારે સાંજે એક યુવકનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ વાયુવેગે ગામમાં ફેલાઈ જતાં ગ્રામજનોનો ટોળેટોળાં ઉમટી પડ્યાં હતા.

દરમિયાન, બીજી તરફ આ અંગે ખંભોળજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા ગ્રામજનોની પૂછપરછ કરવામાં આવતા મૃતક યુવક ભરોડા ગામે ભોઈવાસમાં રહેતો 29 વર્ષીય શ્રવણભાઈ મનુભાઈ ભોઈ હોવાનું ખૂલ્યું હતું. તે એકલવાયું જીવન જીવતો હતો અને છૂટક મજૂરીકામ કરતો હતો. તેમના માતા-પિતા હયાત નથી. તેઓના એક ભાઈ ચંદ્રકાંતભાઈ કરમસદ-વિદ્યાનગર ખાતે રહે છે.

મૃતકના મોટાભાઈ ચંદ્રકાંતભાઈને ગામના જ કિરીટભાઈ ભોઈએ ફોન કરીને બનાવની જાણ કરતાં તેઓ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સાથે મરતાં પહેલાં ઝપાઝપી થઈ હોવાનું જણાયું છે. આ ઉપરાંત તેના માથામાં, પગમા, ખભામાં, અને ગળામાં ઈજાના ચિન્હ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છ.

સીડીઆર અને ફૂટેજના આધારે તપાસ કરાઈ રહી છે
હાલમાં મૃતકનું પેનલ પીએમ કરાવ્યું છે. જેમાં તેના શરીરના ભાગે ગંભીર ઈજાઓ મળી આવી છે. તેની હત્યા કોઇ ઝઘડાને લઈને, આડા સબંધ, પ્રેમ સંબંધ કે પછી અન્ય કોઈ અંગત અદાવતને લઈને કરાઈ છે તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા છે ઉપરાંત સીડીઆર અને ફૂટેજની પણ ચકાસણી કરાઈ છે. > કે.જી. ચૌધરી, પીએસઆઈ, ખંભોળજ પોલીસ સ્ટેશન.

અન્ય સમાચારો પણ છે...