હુમલો:ઉમરેઠમાં MGVCLની ટીમ પર હુમલો, વીજલાઈનને અડતા ઝાડ કાપતા હતા તે સમયે મારક હથિયારો સાથે ત્રાટક્યાં

ઉમરેઠ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોહીયાળ ઇજા થતાં 6 વીજ કર્મચારી ગંભીર, બે માસમાં ત્રીજા હુમલાથી સલામતી સામે સવાલ

ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામે સોમવારે મોડી સાંજે વીજલાઈનને અડતાં ઝાડ કાપવાની કામગીરી દરમિયાન એમજીવીસીએલની ટીમ પર સ્થાનિક શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં છથી વધુ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે એમજીવીસીએલની ટીમો દોડતી થઈ ગઈ હતી અને મોડી સાંજે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામની સીમ વિસ્તારમાં એમજીવીસીએલની ટીમ પહોંચી હતી.

દરમિયાન, આગામી ચોમાસું આવી રહ્યું હોય તેની પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત ટીમ દ્વારા વીજવાયરને અડતાં ઝાડ-ડાળખાં કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, તેઓ સીમ વિસ્તારમાં ઝાડ કાપી રહ્યા હતા. એ સમયે અચાનક અજાણ્યા તત્વો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેમણે ટીમ પર મારક હથિયાર સાથે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં છ જેટલાં એમજીવીસીએલના કર્મીઓને ગંભીર ઈજા પહોંચી હતી. કેટલાંક લોકો લુહીલુહાણ થઈ ગયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.

બીજી તરફ ટીમ દ્વારા તુરંત જ ઉમરેઠ પોલીસનો સંપર્ક સાધી પોલીસને પણ સ્થળ પર બોલાવી લેવાતાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હાલમાં બે કર્મીઓને આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં છેલ્લા બે માસથી વીજ કર્મીઓની ટીમો પર હુમલો થવાના ત્રણ બનાવ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ કે વીજ લાઇનના સમારકામ માટે MGVCLની ટીમો સાથે નાની બાબતે ઝઘડા કરી ઇજા પહોંચાડતા કર્મચારીઓની સલામતી સામે સવાલ ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...