ઉમરેઠના બેચરી ગામમાં સતત બે દિવસથી રાત્રિના સમયે આકાશમાં ઉડતા હોય ગ્રામજનોમાં ફફડાટ સાથે ભય જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે એક સાથે ત્રણથી ચાર ડ્રોન એકદમ નીચે ઉડાડી આણંદ જિલ્લા પોલીસના ડ્રોન નહિ રમકડું હોવાના દાવાઓની પોલ ખોલી નાખી હતી. જોકે, સમગ્ર મામલે હજુ સુધી પોલીસના પેટનું પાણી હાલ્યું નથી. આરોપીઓને પકડવામાં ફાંકા-ફોજદારી કરતી ઉમરેઠ-ભાલેજ પોલીસના હાથ આ આરોપીઓને પકડવામાં ઉણી ઉતરી છે.
ઉમરેઠ તાલુકાના બેચરી ગામમાં રાત્રિના 10 થી 4 ના સમયમાં એક સાથે ત્રણ થી ચાર જેટલા ડ્રોન આકાશમાં નીચે તથા ઉપર ઉડતા હોય લોકોમાં ભય ફેલાઈ ગયો છે. થોડા દિવસ અગાઉ ઉમરેઠ તાલુકાના અરડી ગામે પણ આવી રીતે રાત્રિના સમયે ડ્રોન ઉડવાની ઘટના બની હતી. પરંતુ તે સમયે પોલીસે ડ્રોન નહિ રમકડાં છે એમ કહી તપાસ ઉપર પડદો પાડી દીધો હતો. પરંતુ હવે ઉમરેઠના બેચરી ગામમાં પણ આ ખેલ ફરી શરૂ થતાં ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. છેલ્લાં લગભગ દસેક દિવસથી ચાલુ થયેલા આ ખેલમાં એક સાથે ત્રણથી ચાર ડ્રોન આકાશમાં સતત ચક્કર લગાવે છે.
જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણકારોના જણાવ્યા મુજબ આ ડ્રોન રમકડાંના નહિ પરંતુ દોઢથી બે લાખની કિંમતના પ્રોફેશનલ ફોટોગ્રાફી માટે વપરાતા ડ્રોન છે. ત્યારે જિલ્લા પોલીસ દ્વારા રમકડાના ડ્રોન અથવા તો રાત્રિના સમયે ડુક્કર અથવા તો નીલ ગાયને ખેતરમાંથી ભગડવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો હોવાની જે વાત કહેવામાં આવી રહી છે તે હાસ્યાસ્પદ જણાઈ રહી છે.
ડ્રોન નથી, તારા છે તેમ કહીં કોન્સ્ટેબલે ગ્રામજનોને ધમકાવ્યાં સમગ્ર ઘટના બાદ રાત્રે પોલીસ આવી હતી જેમાં એક કોન્સ્ટેબલે ગ્રામજનોને ધમકી આપતા કહ્યું હતું કે, ઘેર જઈ સૂઈ જાવ. આ ડ્રોન નથી તારા છે. ડ્રોન અહીં ઉડે નહીં. કેમ કે, અહી નહીં કોઈ મંદિર, નહીં કોઈ મોટી જગ્યા કે નથી કોઈ વીઆઇપી રહેતું. જમવા પણ દેતા નથી, તેમ કહીં ગ્રામજનો પર રોષ ઉતાર્યો હતો. એ પછી પોલીસની ગાડી પરત જતી રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.