કાર્યવાહી:તારાપુર સિક્સ લેન પર પીકઅપ ડાલાની અડફેટે બાળકનું મોત

તારાપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધર્મજથી તારાપુર જતા રોડ પર ચાલતા બાળકને અડફેટે લીધું

તારાપુર સિક્સ લેન હાઈવે પર સોમવારે ધર્મજથી તારાપુર શાકભાજી લઈને આવી રહેલા પીક અપ ડાલુના ચાલકે રોડ પર જઈ રહેલા બાળકને અડફેટે લેતાં બાળકનું મોત નીપજ્યું હતું. આ મામલે તારાપુર પોલીસે પીક અપ ડાલાના ચાલક વિરૂદ્ધ મોતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

તારાપુર ભાથીજી ફળિયામાં મુકેશસિંહ લખનસિંહ ઠાકોર રહે છે. સોમવારે સવારે તેમનો 7 વર્ષીય પુત્ર નિલેશ તારાપુર સ્થિત સિકસ લેન હાઈ વે પર મામલતદાર કચેરી પાસે આવેલી હોટલ નજીકના રોડ પાસેથી પસાર થતો હતો. દરિમયાન ધર્મજ તરફથી શાકભાજી ભરીને તારાપુર તરફ આવતી બોલેરો પિક અપ ડાલાએ તેને પાછળથી ટક્કર મારતાં તેને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે પીક અપ ડાલુનો ચાલક ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ, ઘટનાને પગલે ટોળે વળેલાં લોકોએ તુરંત જ તેને સારવાર અર્થે તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જ્યાં શરીરે ગંભીર ઈજાઓ હોઈ સ્થાનિક તબીબ દ્વારા કરમસદ મેડિકલમાં રીફર કરવા જણાવ્યું હતું. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના કાકા કમલેશભાઈ ઠાકોરે પીક અપ ડાલુના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...