GST અધિકારી દ્વારા ગેરરીતિ આચરવાનો આક્ષેપ:ખંભાત GST કચેરી સામે આણંદ ACBની તપાસ

તારાપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીએસટીના અધિકારી દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરાયા હતા

ખંભાત જીએસટી કચેરીના અધિકારી દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવતાં હોવાની અને ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે તારાપુરના સમાજસેવક દ્વારા ગત 21મી ઓકટોબરના રોજ એડિશનલ ડાયરેકટર એસીબી અમદાવાદને ઇ-મેઇલ દ્વારા અરજી કરી હતી. એડિશનલ ડાયરેકટરે આણંદ એસીબીને તપાસ સોંપી હતી. જેથી આણંદ એસીબી પીઆઇ દ્વારા તાજેતરમાં ખંભાત જીએસટી કચેરીના અધિકારીને જરૂરી પુરાવા સાથે આણંદ કચેરી ખાતે પુછપરછ માટે બોલાવ્યા હતા. તેમજ અરજદારને જરૂરી પુરાવા સાથે હાજર રહેવા જણાવ્યું હતું જેને લઈને ખળભળાટ મચી ગયો છે. આમ, ખંભાત જીએસટી કચેરીના કૌભાંડની તપાસ એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.

તારાપુર તાલુકાના ઇન્દ્રણજ ગામના અને સમાજસેવક દ્વારા ખંભાત વેચાણવેરા કચેરીમાં અધિકારી અને સ્ટાફ દ્વારા વેપારીઓ પાસેથી મોટા પાયે ગેરકાયદેસર હપ્તા લેવાતાં હોવાથી કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને ઉજાગર કરવા ગત 21મી ઓકટોબરે એડિશનલ ડાયરેક્ટર એસીબી અમદાવાદને ઈમેલથી રજૂઆત કરવામાં આવી હતી. અરજદાર દ્વારા ઈમેલથી કરવામાં આવેલી રજૂઆતમાં અધિકારી અને સ્ટાફ દ્વારા વેપારીઓ પાસેથી મોટા પાયે ગેરકાયદે હપ્તા લેવામાં આવતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા તથા ખંભાત કચેરીમાં ફરજ બજાવતા દિપક જોષી નામના અધિકારી દ્વારા મોટા પ્રમાણમાં નિયમિત હપ્તા લઈને બદલામાં વેપારીઓને શું લાભ આપવામાં આવે છે. તેની પણ તપાસ થવી જરૂરી હોવાનું જણાવ્યું હતું.

અરજદાર દ્વારા પોતે ઘણા વેપારીઓમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ જાગૃતિ લાવી સમજાવતા કેટલાંક વેપારીઓએ હપ્તા આપવાનું બંધ કરાતા વેપારીઓને ધાક-ધમકી આપી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઈમેલ દ્વારા કરવામાં આવેલ અરજીમાં કચેરીના અધિકારીઓ દ્વારા મોટા પ્રમાણમાં બેહિસાબી સંપત્તિ વસાવવામાં આવી હોવાનું તથા જીએસટી કચેરી ખંભાતમાં એસીબી ટ્રેપનું આયોજન કરી તપાસ કરવામાં આવે તો જરૂરી દસ્તાવેજી પુરાવા સહિત વેપારીઓની એફિડેવીટ પણ રજુ કરી શકશે તેમ જણાવ્યું હતું. જેની તપાસ હાલ આણંદ એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે. આણંદ એસીબી પીઆઈ દ્વારા તારાપુર તાલુકાના ઈન્દ્રણજ ગામમાં અરજદારને પુરાવા સહિત તપાસ અર્થે હાજર રહેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...