​​​​​​​​​​​​​​તંત્રની નફ્ફટાઈ:સંકલનમાં રજૂઆતના 3 મહિના તંત્ર ઊંઘતુ રહ્યું 3 મોત થતાં 5 કલાકમાં 50 લારી-ગલ્લાં હટાવ્યા

તારાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મસમોટા સર્કલ અને દબાણોથી હાઇવે સાંકડો થતાં અકસ્માતો વધ્યાં - Divya Bhaskar
મસમોટા સર્કલ અને દબાણોથી હાઇવે સાંકડો થતાં અકસ્માતો વધ્યાં
  • મધરાત્રે ગોજારો અકસ્માત થયા બાદ કલેક્ટર સહિતના અધિકારી સ્થળ તપાસ માટે પહોંચ્યાં
  • તારાપુર મોટી ચોકડી પાસે રોડ સાઇડમાં ઉભેલા અમરેલીના પરિવાર પર ટાઇલ્સ ભરેલી ટ્રક પડતા બાળક સહિત ત્રણના મોત નિપજ્યાં

તારાપુર-બગોદરા હાઈવે છેલ્લાં કેટલાંય સમયથી અકસ્માત ઝોન બની રહ્યો છે. ત્યારે મંગળવારે રાત્રે તારાપુર મોટી ચોકડી પાસે મૂળ સુરતમાં રહેતો અને દિવાળી વેકેશન મનાવવા અમરેલી ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણના મોત નીપજ્યાં હતા. આ હાઇવે દબાણોની ભરમાર અને બિનજરૂરી મોટા સર્કલને કારણે સાંકડો થતાં અકસ્માત બની રહ્યા છે. 3 મહિના પહેલા સંકલનની બેઠકમાં આ અંગે રજૂઆત થઇ હતી. પરંતુ તંત્રની ઉંઘ ઉડી ન હતી. મંગળવારે મધરાતે 3 જિંદગી કચડાઇ જતાં દોડતા થયેલા તંત્રે એક જ દિવસમાં 50થી વધુ લારીના દબાણો હટાવ્યા હતા.

આ વિચિત્ર અકસ્માતની સમગ્ર ઘટના એવી હતી કે, સુરતમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા મુન્નાભાઈ હકાભાઈ જાળોધરા અમરેલીથી તેમની કાર લઈને સુરત જવા નીકળ્યા હતા. દરમિયાન, કારમાં ગેસ પુરાવવાનો હોય તેઓ તેમના પત્ની રસીલા, બે બાળકો ધાર્મી અને હેત તેમજ માતા-પિતાને રોડ સાઈડમાં ઉતારી ગેસ પુરાવવા ગયા હતા. એ સમયે વટામણ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલી ટ્રકે મોટા સર્કલ અને દબાણને કારણે અચાનક બ્રેક મારી હતી. જેને કારણે ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી ખાઈ હતી. બનાવ બાદ ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યાં ટ્રક નીચે બે બાળકો અને તેમના દાદા હકાભાઈ તેમજ બંને મહિલાઓ દબાઈ ગયા હતા. જેમાં બંને બાળકો અને દાદાનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે અગાઉ રાજકીય અગ્રણીઓએ સંકલન બેઠકમાં રજૂઆત કરી હતી કે રોડ પર બનાવવામાં આવેલું સર્કલ ખૂબ મોટું છે.

આ ઉપરાંત અહીં દબાણો પણ થાય છે. જેને કારણે વાહનોની અવર-જવરમાં અનેક વખત તકલીફ પડી રહી છે. અને તેને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જોકે, તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. પરંતુ ત્યારબાદ ઘટના બનતાં જ તાબડતોડ કલેક્ટર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટનાના પાંચ કલાકમાં તમામ દબાણ હટાવી દેવામાં આવ્યા હતા.

લોકોની સલામતી માટે પગલાં લેવામાં આવશે
સ્થળ તપાસ કરી તેનું નીરીક્ષણ કર્યું છે. આગામી સમયમાં સલામતી માટે શું કરી શકાય અને ભવિષ્યમાં ફરી આવી ઘટના ન બને તે હેતુસર પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. વધુમાં સ્થાનિકોની જે માંગ છે તે પ્રમાણે કાર્યવાહી કરીશું. > જે. એસ. ગઢવી, કલેક્ટર, આણંદ.

મોટા સર્કલને કારણે અકસ્માત થઈ રહ્યા છે
અહીં હું મારી લારી લઈને ઊભો રહું છું. રોડ પર બનાવવામાં આવેલું સર્કલ ખૂબ જ મોટું છે. તેને કારણે બગોદરા તરફથી આવતા વાહનો એટલા પુરપાટ ઝડપે આવતાં હોય છે કે પછી અચાનક તેમને બ્રેક મારવી પડે છે એટલે આ ઘટનાઓ બને છે. > રાજુભાઈ રાઠોડ, સ્થાનિક રહેવાસી

દબાણો દૂર કરાયા, હજુ પોલીસ ચોકીનો વિવાદ યથાવત
તારાપુર મોટી ચોકડી પાસે 50થી વધુ દબાણો છે. જેમાં પોલીસ ચોકી પણ આવે છે. પોલીસના નાક નીચે દબાણો થઈ રહ્યા છે. અગાઉ સિંચાઈ વિભાગની હદમાં આવતી પોલીસ ચોકીને લઈ વિભાગે નોટિસ આપી હતી, એ પછી ચોકીને અહીં લાવ્યા હતા, પરંતુ હજુ વિવાદ ઊભોે જ છે.

અન્ય સમાચારો પણ છે...