ભાસ્કર ઈનસાઈટ:વિશ્વાસે FD ડૂબી, પોલ ખૂલતાં બેંકના પટાવાળાએ ઝેર પી લીધું

પેટલાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્થળ; મલાતજ બેંક બહાર, સમય: રાત્રે 9 કલાક - Divya Bhaskar
સ્થળ; મલાતજ બેંક બહાર, સમય: રાત્રે 9 કલાક
  • એનઆરઆઇ 50 લાખની એફડીની ઇન્કવાયરી કરવા ગયા અને ગોટાળો બહાર આવ્યો
  • મલાતજની સેન્ટ્રલ બેંકના હંગામી પટાવાળાએ વિશ્વાસ કેળવી ફિક્સ્ડ ડિપોઝીટ માટે ખાતેદારો પાસેથી લીધેલા ચેક બારોબાર વટાવી ખાધા

સોજિત્રા તાલુકાના મલાતજ ગામની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં કામ કરતાં રોજમદાર પટ્ટાવાળાએ ગ્રામજનોએ બેંકમાં ભરવા માટે આપેલા રૂપિયા ખાતેદારોના ખાતામાં જમા ન કરાવી બારોબાર અન્ય ખાતેદારોના ખાતામાં જમા કરાવી ઉચાપત આચરતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.સમગ્ર બનાવની હકીકત એવી છે કે, મૂળ લંડનમાં રહેતા અને છેલ્લાં છ મહિના પહેલાં વતન આવેલાં સંજયભાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદી (રહે. મલાતજ, સોજિત્રા) પોતાના બચાવેલા રૂપિયા 50 લાખની એફડી કરાવવાનું નક્કી કર્યું હતું. તેમનું સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું હતું.

નાણાંની કોઈ રીસીપ્ટ પટ્ટાવાળા તરફથી ન મળતાં સંજયભાઈએ તપાસ કરી
જોકે, બેન્કમાં પૈસા જમા કરાવવા જવું ન પડે તે હેતુસર તેમણે બેન્કમાં કામ કરતાં અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા પટ્ટાવાળા ભરત સવા રબારીને રૂપિયા 50 લાખના પાંચ ચેક સહી કરીને આપ્યા હતા અને એફડી કરવા જણાવ્યું હતું. દરમિયાન શખસે પાંચ પૈકીના ત્રણ ચેક, એટલે કે રૂપિયા ત્રીસ લાખ મહેશ સોલંકી, ગીરીશ પી. પટેલ અને સ્વપ્નીલ મહીડાના ખાતામાં બારોબાર જમા કરાવી દીધા હતા. એ પછી બે દિવસ અગાઉ વસો ખાતે રહેતાં તેના સાળાના ખાતામાં આ નાણાં આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવી દીધા હતા. જોકે, બીજી તરફ એફડી કરાવવા માટે આપેલા નાણાંની કોઈ રીસીપ્ટ પટ્ટાવાળા તરફથી ન મળતાં સંજયભાઈએ તપાસ કરી હતી.

ખાતેદારોના પૈસા પણ ચાઉં કરી દીધા હોવાનું ખૂલ્યું
જેમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. દરમિયાન ધીમે-ધીમે તેમણે તપાસ કરતાં શખસે સંજયભાઈ ઉપરાંત, સતીષભાઈ ગોરધનભાઈ પટેલ, મુકેશભાઈ બકોરભાઈ પટેલ, અશોકસિંહ લક્ષ્મણસિંહ મહીડા સહિત પાંચેક જેટલાં ખાતેદારોના પૈસા પણ ચાઉં કરી દીધા હોવાનું ખૂલ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રકમ હાલ દોઢથી બે કરોડ સુધી પહોંચી જાય એટલી છે.

બેંકમાં લોકોના ટોળાં ઉમટી પડ્યા
નોંધનીય છે કે, સમગ્ર બાબતો પ્રકાશમાં આવતાં જ જોતજોતામાં બેંકમાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને તમામ લોકો દ્વારા બેંકમાં પોતાની એફડી અંગે તપાસ કરવામાં આવી હતી. જોકે, બીજી તરફ બેંક કર્મીઓ ભરત રબારીને ઘરે જતાં જ તેણે ઝેરી દવા પી લીધી હતી. હાલમાં તેને નડિયાદ સ્થિત હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.

સરપંચ-ડે. સરપંચ ઘરે ગયા એ પછી રૂપિયા 10 લાખ આપ્યા
સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અને ભરત રબારીની સંડોવણી ખુલતાં જ સરપંચ દુર્ગેશ પટેલ, ડે. સરપંચ સુનિલ પટેલ તેમના ઘરે ગયા હતા અને તેમને સમજાવ્યા હતા. એ સમયે તેણે તાત્કાલિક રૂપિયા 10 લાખ આપી દીધા હતા.

પ્યૂન બેંક મેનેજરને રોજ કાર લઈ આણંદ લેવા આવતો હતો
સમગ્ર ઘટનામાં જવાબદાર ભરત રબારી છેલ્લાં કેટલાંય સમયથી કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો અને ગ્રામજનોના કામ તે વિના સંકોચે કરી આપતો હતો. લોકોને લાઈનમાં ઊભા ન રહેવું પડે એટલે તે બારોબાર વહીવટ કરી દેતો હતો. બેંક મેનેજરનો વિશ્વાસ કેળવવા તે દરરોજ તેમને કાર લઈ લેવા-મૂકવા આણંદ આવતો હતો.

વિદ્યાનગરમાં લોકરમાંથી ઘરેણાં પગ કરી ગયા હતા
વિદ્યાનગરમાં આવેલી એસબીઆઈ બેંકમાં પાંચેક વર્ષ અગાઉ મૂળ કરમસદના એનઆરઆઈ દંપતી દ્વારા લોકરમાં ઘરેણાં મૂકવામાં આવ્યા હતા. આ બેંકમાં એનઆરઆઈ તેમના ઘરેણાં ઉપાડવા ગયા ત્યારે તેમના લોકરમાં કોઈ ઘરેણાં જ ન હોવાનું ખૂલ્યું હતું. જેને પગલે તેમણે બેંકમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, એ પછી સમગ્ર ઘટનામાં ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું. બનાવની પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...