પેટલાદના હાર્દ સમા ચાવડી બજાર વિસ્તારમાં આવેલ દિવાન મણીભાઈ ટાવર ના ટકોરાં વર્ષોથી થંભી ગયા છે. પાલિકાની ઘોર ઉપેક્ષા અને બેદરકારીને કારણે છેલ્લા 35 વર્ષથી આ ટાવર ના ટકોરા પડતા નથી, જોકે થોડા વર્ષો અગાઉ વહીવટદાર શાસન દરમિયાન નગરના બે સામાજિક આગેવાનોના પ્રયાસોના કારણે થોડા મહિના પૂરતું આ ટાવર કાર્યરત થયું હતું પરંતુ ત્યારબાદ પણ ટાવરના ડંકા વાગતા અટકી પડ્યા હોવાથી પેટલાદ શહેરના રહીશોની લાગણી દુભાઈ રહી છે.
એક વખતના વડોદરા રાજ્યના દિવાન મણીભાઈના વારસોએ તે સમયમાં શહેરની મધ્યમાં આવેલ ચાવડી બજાર વિસ્તારમાં એક વિશાળ ટાવરરૂપી ઇમારત ઊભી કરી અને તેની આજુબાજુ આવેલ પોતાની માલિકીની જમીનમાં બાલ ક્રીંડાગણના ઉપયોગ માટે નગરપાલિકાને સુપ્રત કરી હતી, પરંતુ આ વિશાળ દેણગીની સુવ્યવસ્થા કરવા વર્ષો પહેલાંના સત્તાધીશો અને વર્તમાન સત્તાધીશો પણ નિષ્ક્રિયતા સેવી રહ્યા હોવાનો અહેસાસ નગરજનોને આ ટાવર ના બંધ ટકોરા અપાવી રહ્યો છે.
કહેવાય છે કે જે ગામ શહેરનાં ટાવરના ટકોરા પડતા અટકી જાય તે ગામ કે શહેરનું વિકાસ પણ અટકી જાય પરંતુ નગરપાલિકાના માત્રને માત્ર વહીવટમાં જ રસ દાખવતા 35 જેટલા વર્ષોથી મોટાભાગના તમામ સત્તાધીશો આ ટાવરને ચાલુ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
ચાવડી બજાર ભાઈ ચકલા વિસ્તાર નજીક આશરે 50 ફૂટ ઊંચું મણીભાઈ દિવાન ટાવર આવેલ છે આ ટાવરની સાથે સાથે ખુલ્લી જગ્યા જે બાલ ક્રિંડાગણ પણ આવેલ છે. જે દાતાઓએ ઉદાર સખાવત દ્વારા ભારે હર્ષો ઉલ્લાશ સાથે બનાવી પેટલાદ નગરપાલિકાને સુપ્રત કર્યું હતું પરંતુ આ ટાવરના ટકોરાં સાંભળવાના નગરવાસીઓને અભરખા જ રહી ગયા.
જે ટાવર ને પુનર્જીવિત કરવા દરબારના હુલામણા નામથી ઓળખાતા સ્વ: દરબાર અને મિહિરભાઈ ત્રિવેદીના પ્રયાસો થકી જે તે વખતના પાલિકાનાં વહીવટદાર અને પ્રાંત અઘિકારી પેટલાદ કે એલ બચાણી (હાલ કલેકટર ખેડા) ના હકારાત્મક વલણના કારણે કવાયત હાથ ધરાતા સને 2005માં આ ટાવરના ટકોરાં સાંભળવા મળ્યા હતા, પરંતુ વહીવટદાર શાસન બાદ ગણતરીના દિવસોમાં આ ટાવરના ટકોરા અટકી પડ્યા હતા, જે પાલિકાના પૂર્વ અને વર્તમાન સત્તાધીશોની ઘોર ઉપેક્ષા સ્પષ્ટ દેખાઇ આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.