એક જમાનામાં ચરોતરના માન્ચેસ્ટર તરીકે પ્રખ્યાત બનેલું પેટલાદ ગાયકવાડી સ્ટેટમાં ગણાતું હતું. રંગ શાળાઓ, ફેક્ટરીઓ, સિલ્ક મિલ, હાથશાળ,ખાંડ ઉદ્યોગના કારણે જાહોજલાલી આસપાસના શહેરો અને ગામડાઓ માટે રોજીરોટીનું કેન્દ્ર હતું. પરંતુ નગર જીવનમાં કર્મસંજોગે ચડતી પડતી આવી પેટલાદના વેપાર ઉદ્યોગ બંધ થયા હતા.
ઉત્તરોત્તર પેટલાદની જાહોજલાલી ઝાંખી પડતી ગઈ, પેટલાદના વેપારીઓ આજે પણ આ વાતનો સ્વીકાર કરે છે,સાથે સાથે સહકારી બેંકો મૃત:પાય થઈ, જીઆઇડીસીમાં પણ કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી.સક્ષમ નેતાગીરીના અભાવે વર્તમાન તદ્દન વિપરીત બન્યો છે. સતત બંધ પડી રહેલા એક પછી એક ઉદ્યોગ બંધ થવાના કારણે અહીં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. આજે અહીંના યુવાધનને રોજગારી માટે આણંદ વડોદરાથી લઈ છેક અમદાવાદ સુધી ભટકવું પડી રહ્યું છે.
દોઢ હજાર ઉપરાંત વર્ષ જુના પેટલાદમાં ખાંડ ઉદ્યોગ અને એનટીસી મીલ બંધ થતા ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે.આ મિલમાં એક સમયે 2000 જેટલા કુટુંબનું ભરણ પોષણ થતું હતું. જ્યારે પાળજ ખાંડ ઉદ્યોગ બંધ થતા પંથકના 500 થી 600 જેટલા પરિવારો બેરોજગાર બન્યા હતા. આ મોટા ફટકામાંથી પેટલાદને બહાર લાવવા માટે વેપારીઓને કોઈ જ પીઠબળ મળ્યું નથી. શહેરની ચારે બાજુએ સરકારના સોનાના ટુકડા જેવી જમીનો પડતર પડી રહી છે, તેમાં પણ દબાણો થઈ ગયા છે.
પેટલાદનો વિકાસ રૂંધાયો હોવાનો નિસાસો પ્રજાજનો નાખી રહ્યા છે. અહીંના યુવાધનને આણંદ, વિદ્યાનગર, કરમસદ, નડિયાદ, વડોદરા, અમદાવાદ, વાપી, અંકલેશ્વર, સુરત અને મુંબઈ સુધી રોજગારી માટે ભાગદોડ કરવી પડી રહી છે. પેટલાદનો પ્રખ્યાત ગણાતો વાયરનેટીંગ, દારૂખાનું આરીજરદોશી, પડિયા જેવા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન નહીં મળતા આવા ઉદ્યોગો પણ હાલ વળતા પાણી જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
પેટલાદના પઠાણોએ શેઠ લોકોને ઉદ્યોગો સ્થાપવા જમીનો આપી હતી
પેટલાદના પઠાણોના પૂર્વજોએ કેશવલાલ પરીખ પરિવારના શેઠ લોકોને આ વિસ્તારમાં ઉદ્યોગો ધમધમે અને વિસ્તારના લોકોને રોજીરોટી મળે તેવા હેતુસર માત્ર ઉદ્યોગો સ્થાપવા સોનાની લગડી જેવી જમીનો આપી હતી. પરંતુ સમય જતા આ મિલ કેન્દ્ર હસ્તક એટલે કે એનટીસી ના નામે ઓળખાતી થઈ હતી. ત્યારબાદ આ મિલ સદંતર બંધ થઈ ગઈ હતી અને જમીનદોસ્ત હાલતમાં આજે ખંડેર હાલતમાં પડી રહી છે .જે જમીન આપનાર પૂર્વજોના વારસદારોએ હવે ઉદ્યોગનો હેતુ ન રહેતા જમીન પાછી મેળવવા કાર્યવાહી આરંભી હોવાનું જાણવા મળેલ છે.
પેટલાદની એક મિલમાં પરપ્રાંતિયોને રોજગારી અપાય છે, સ્થાનિકોને ભટકવું પડે છે
પેટલાદમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલી એક મિલ કાર્યરત છે, પરંતુ તે મિલમાં કહેવાય છે કે વર્ષોથી પરપ્રાંતીય લોકોને જ રોજગારી માટે વધારે પ્રાધાન્ય અપાય છે,જ્યારે સ્થાનિકોની ભરતી ઓછી કરાય છે.જેના કારણે પણ સ્થાનિક યુવાધન અન્ય વિસ્તારો તરફ રોજગારી માટે ભટકી રહ્યા છે. આવા મિલ માલિકોને કોઈ કહેનાર જ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.