દબાણકારોમાં ફફડાટ:પેટલાદમાં મુખ્ય માર્ગો પર ખડકાયેલા ગેરકાયદે દબાણો પાલિકાએ દૂર કર્યાં

પેટલાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પેટલાદમાં નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર ખડકાયેલા ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
પેટલાદમાં નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર ખડકાયેલા ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
  • પાલિકાએ એક સપ્તાહ અગાઉ સ્વેચ્છાએ દબાણો દૂર કરવાની તાકીદ કરી હોવા છતાં દબાણો ન હટયા

પેટલાદ શહેરમાં ઠેર-ઠેર થયેલ દબાણોથી રાજમાર્ગો સાંકડા બની ગયા છે. જેથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને આવન-જાવનમાં અડચણરૂપ બનતાં ઘર્ષણ થતું હોઈ પાલિકાએ દબાણ હટાવવાની કામગીરીના ભાગરૂપે એક સપ્તાહ અગાઉથી સમગ્ર નગરમાં પાલિકાનું વાહન ફેરવી સ્વેચ્છાએ દબાણો દૂર કરવાની તાકીદ કરી હતી અને સ્વેચ્છાએ દબાણો દૂર નહિ થાય તો પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની જાહેરાત કરાતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પેટલાદ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર તેમજ અંતરિયાળ વિસ્તારોમાં દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. શહેરના નાગરકુવાથી ચાવડી બજાર, રણછોડજી ચોક થઈ કોલેજ ચોકડી સુધીના રસ્તા ઉપર અનેક ગેરકાયદેસર દબાણો જોવા મળે છે. રણછોડજી મંદિરથી સાંઈનાથ ચોકડી રણછોડજી મંદિરથી શાક માર્કેટ તથા ટાઉન હોલ, સરદાર ચોક, સ્ટેશન રોડ

સુધીના મુખ્ય રસ્તા ઉપર નડતરરૂપ લારીઓ, અને પાથારણાવાળા,દુકાનદારો દ્વારા સૌથી વધારે દબાણ કર્યા હોવાનું બહાર આવ્યું હતું. તેના કારણે અવાર નવાર ટ્રાફીક સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત કાળકાગેટ થઈ સરદાર ચોક સુધીના રસ્તા ઉપર દબાણના કારણે અવાર-નવાર ટ્રાફિક જામ થઈ જાય છે. એસ.ટી. બસોના ચાલકોને ના છૂટકે રસ્તો બદલવાની નોબત આવી છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી પીણીની લારીઓ આગળ આડેધડ પાર્કિંગ થાય છે. તેને કારણે પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેને લઈને નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેની ગુરૂવારે નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર સંજય ટી રામાનુજ અને નગરપાલિકાની ટીમ દ્રારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આ અંગે પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે રણછોડજી મંદિરેથી કોલેજ ચોકડી તરફ જવાના માર્ગે અને આજુબાજુના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરી છે અને આ કામગીરી આગામી દિવસોમાં ક્રમશઃ ચાલું રાખી શહેરના અન્ય વિસ્તારોને પણ દબાણ મુક્ત કરીશું. નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણો દૂર કરાતા દબાણકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...