તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પિતાનો જન્મદિવસ ઊજવવા પિયર આવેલી યુવતી પર ડમ્પર ફરી વળ્યું

પેટલાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોપેડ લઈને નડિયાદ જતી વખતે વટાવ પાસે અકસ્માત

પિતાનો જન્મદિવસ ઊજવવા બે દિવસ અગાઉ પિયરમાં આવેલી યુવતી મંગળવારે સવારે મોપેડ લઈને નડિયાદ જતી હતી. એ સમયે પેટલાદના વટાવ પાસે પુરપાટ ઝડપે આવી ચઢેલા ડમ્પરે તેને ટક્કર મારી હતી. જેને પગલે રોડ પર પટકાયેલી યુવતી પર ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં તેને સારવાર મળે તે પહેલાં જ તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. મહેળાવ પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

પેટલાદ તાલુકાના ફાંગણી ગામે પટેલ ફળિયામાં વિરલગીરી રમણગીરી ગોસ્વામી રહે છે. તેઓ એક્સિસ બેન્ક કરમસદ ખાતે લોન ઓફિસર તરીકે છ માસથી નોકરી કરે છે. તેમની નાની બહેન રીયાબેનના લગ્ન અમદાવાદમાં હિરેનગીરી કમલેશગીરી ગોસ્વામી સાથે થયા હતા. સોમવારે તેમના પિતાનો જન્મદિવસ હોઈ રિયા પતિ સાથે પિયરમાં આવ્યા હતા. દરમિયાન, મંગળવારે સવારે સાડા સાત વાગ્યે તેમને કામ હોય તેઓ મોપેડ લઈને નડિયાદ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન, તેઓ વટાવ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પાસેથી પસાર થતા હતા એ જ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલા ડમ્પરના ચાલકે તેમને અડફેટે લીધા હતા. જેને કારણે રીયાબેન રોડ પર પટકાયા હતા. અને એ સમયે માથા પર ડમ્પરનુ વ્હીલ ફરી વળ્યું હતું.

ઘટના બાદ ડમ્પરનો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ વિરલગીરીની ફરિયાદના આધારે મહેળાવ પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...