તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચરો ઠેરનો ઠેર:પેટલાદ શહેરના જાહેર માર્ગો પર સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડયો

પેટલાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા તંત્રને કચરો ઉઠાવવાનું મુહૂર્ત મળતું નથી

શહેરના પેટ્રોલ પંપ સામેના રોડ પર ગંજ બજારના પાછળના ભાગે અને કાળકા માતાના મંદિર સામે કચરાના ઢગલા છેક રોડ ઉપર આવી ગયા છે. તેના કારણે અહીંથી જતાં આવતાં લોકોને ખૂબ જ અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લાંબા સમય સુધી આ કચરો ન લેવાના કારણે તેમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. જેથી લોકોને મોઢે રૂમાલ રાખીને પસાર થવુ પડે છે. હજુ કોરોના વાયરસની મહામારી પૂર્ણ રીતે સમાપ્ત થઈ નથી ત્યારે ગંદકીના કારણે શહેરીજનોમાં મચ્છર જન્ય ગંભીર રોગચાળો ફેલાવવાની ભીતી સેવાઈ રહી છે.

પેટલાદ શહેરના પેટ્રોલ પંપ સામે આરૂષિ હોસ્પિટલથી કાળકા માતાના મંદિર તરફ જતા માર્ગ પર ગંજ બજારના પાછળના ભાગે છેલ્લા કેટલાય સમયથી ગંદકીના ઢગલા પડી રહ્યા છે તે ગંદકી જાહેર માર્ગ પર ફેલાય છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. હાલ, જે કચરાના ઢગલા પડ્યા છે તે જગ્યા વોર્ડ નં. 3 માં સમાવિષ્ટ છે જ્યારે સામેનો રહેણાંક વિસ્તાર શેરપુરા પાછળનો ભાગ વોર્ડ નં. 4 માં આવે છે ત્યારે ચર્ચાતી વાતો અનુસાર સેનેટરી વિભાગના કયા વોર્ડના સુપરવાઈઝર આ કચરો ઉપાડે તે મડાગાંઠના કારણે પ્રજાને સહન કરવાનો વારો આવ્યો છે. અગાઉ થોડા સમય પૂર્વે એક જાગૃત સભ્યની વારંવારની રજૂઆતોને ધ્યાને લઈ એકવાર જાણે કે નગરપાલિકાનું સેનેટરી વિભાગ મહેરબાની કરતું હોય તેમ કચરો ભરાવ્યો હતો ત્યારબાદ શહેરની અન્ય જગ્યાઓથી કચરો ભરાય છે તેમ આ જગ્યાએથી નિયમિત રીતે દરરોજ કચરો ભરાય તો આ પરીસ્થિતીનો નિર્માણ ન થાય. જ્યારે શહેરના કેટલાંક વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની ગાડી નિયમિત ન આવતા લોકો આવી જગ્યાઓએ કચરો નાંખી જાય છે તે તરફ પણ પાલિકાના સેનેટરી વિભાગે ગંભીરતા દાખવી ખૂબ જ જરૂરી છે. આ રસ્તા પરથી પસાર થતા નગરજનોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે.

શું આ વિસ્તાર પાલિકાની હદમાં નથી આવતું ? કે પછી સત્તાધિશો અને સેનેટરી વિભાગનના સંકલનનો અભાવ છે ? પ્રજામાં તેવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે. જે હોય તે ખેર.પણ પાલિકાએ વહેલામાં વહેલી તકે આ જાહેર માર્ગ પરથી કચરો ઉપાડી દરરોજ નિયમિત રીતે પણ ત્યાંથી કચરો ભરાવી લેવાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. પેટલાદ શહેરીજનો વધુ બિમારીના ખપ્પરમાં ન હોમાય તે માટે નગરપાલિકા દ્વારા સત્વરે નિયમિત રીતે દરરોજ સફાઈ થાય તે જ સમયની માંગ છે.

આ કચરો ભરાઈ જશે
આ અંગે સેનેટરી ઈન્સ્પેક્ટર અને વોર્ડ નં. 3 માં સુપર વાઈઝરની કામગીરી સંભાળતા પૂનમભાઈ પટેલનો ટેલિફોન સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે તે વખતે કચરો ઉપાડી લીધો હતો હજુ જે કચરો છે તે હું વોર્ડ નં. 4 ના સુપર વાઈઝરને કહી દઈશ તે ભરાવી લેશે.

અન્ય સમાચારો પણ છે...