હડતાલનો મુદ્દો ગરમાયો:ચીફ ઓફિસરે સફાઈ કર્મચારી સામે એસ્મા લાગુ કરવાની ચિમકી ઉચ્ચારી

પેટલાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદ નગરપાલિકાના સફાઈ કર્મીની હડતાલનો મુદ્દો ગરમાયો..!

પેટલાદ નગરપાલિકા ખાતે 46 જેટલા સફાઈ કામદારો 11 જુલાઈથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરતા ચોમાસાની ઋતુમાં નગરમાં ગંદકીના પશ્નો વધુ પેચીદા બન્યાં હતાં. જ્યારે બે દિવસ બાદ રોજમદારો અને ફિક્સ પગારના કામદારો પણ આ હડતાલમાં જોડાતા પેટલાદ શહેરના તમામ વોર્ડમાં ઠેરઠેર ગંદકીના ઢગ અને રોડ પર ઉભરાતી ગટરોના ગંદા પાણીના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

આ બાબતને લઈ પેટલાદ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સેનેટરી ચેરમેન, કેટલાક સદસ્યો અને ચિફ ઓફિસર સાથે કામદાર આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં કાયમી કામદારોની 4 પૈકી 3 માંગણીઓ, રોજમદારોની બંને માંગણીઓ મહદઅંશે સ્વીકાર કરી હોવા છતાં સફાઈ કામદારોએ માત્ર એક માંગને લઈ હઠાગ્રહ કરતા સમાધાન ભાંગી પડ્યું હતું.

આજરોજ પાલિકાના ચિફ ઓફિસર સંજય રામાનુજે કામદારોને નોટિસ આપી હતી જેમાં જણાવ્યું હતું કે તમારી 4પૈકી 3 માંગણીઓ સ્વીકારવા તૈયારી દર્શાવેલ પરંતુ તમારા દ્વારા તાત્કાલિક સાતમું પગારપંચ ચૂકવવા બાબતે જીદ કરી. તમે 24 કલાકમાં તમારી ફરજ પર હાજર થઈ અત્રે જાણ કરશો અન્યથા ‘કામ નહીં તો પગાર નહીં’ મુજબ તથા તમારી સાથે ગુજરાત નગરપાલિકા અધિનિયમ, અન્ય નિયમો, ઉપનિયમો અને જોગવાઈઓ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરાંત કલેક્ટરને ‘એસ્મા’ ના અમલ માટે દરખાસ્ત કરાશે. કામદારોના કામમાં રૂકાવટ ન કરે તે માટે પેટલાદ પોલીસ પાસે બંદોબસ્તની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...