ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:મલાતજની બેંકમાં ખાતેદારોની એફડી સાથે ક્રોપ લોન પણ બારોબાર વટાવી ખાવાનું કૌભાંડ

પેટલાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો પટાવાળો મહોરુ, મેનેજરની સંડોવણીની શંકા
  • ગાંધીનગરથી રિજિયોનલ હેડ દ્વારા તપાસનો ધમધમાટ: 11 ખાતેદારો સાથે છેતરપિંડી થયાનું ખૂલ્યું

સોજિત્રા તાલુકાના મલાતજ ગામે ખાતેદારોના બે કરોડથી વધુની એફડીના નાણાંનો બારોબાર વહીવટ કરી દેવાના બનાવમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના સત્તાધીશો દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. જોકે, સમગ્ર બાબતે હંગામી પટાવાળા ભરત રબારી જ નહીં, પરંતુ મલાતજ શાખામાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીથી લઈ નીચલા કર્મીઓ સુધી તપાસનો રેલો જઈ શકે તેવી સ્થિતિ છે.

ઉચ્ચ અધિકારીથી લઈ નીચલા કર્મીઓ સુધી તપાસનો રેલો
ચોંકાવનારી વાત એ છે કે પટાવાળાએ આચરેલા કૌભાંડમાં ખાતેદારોની એફડી ઉપરાંત ક્રોપલોન ભરવા માટે આપેલા નાણા પણ ચાંઉ કરાયા છે. કેટલાક ખાતેદારો તો એવા છે જેમને લોન માગી નથી છતાં તેમના નામે લોન પાસ કરાવી તમામ નાણા બારોબાર ઉપાડી લેવાયા છે.મસાલજતી બેંકના પાટાળાવાનું કૌભાંડ ઉજાગર થતાં તપાસ અર્થે દોડી આવેલા ગાંધીનગર રીજયોનલ હેડ આશિષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હાલમાં શાખાના તમામ સ્ટાફની આ બેજવાબદારી છે. અમારા દ્વારા સમગ્ર મામલે પ્રાથમિક તબક્કે તપાસ કરવામાં આવી છે.

11 જેટલાં ખાતેદારોના નામ બહાર આવ્યા
જેમાં અત્યાર સુધી 11 જેટલાં ખાતેદારોના નામ બહાર આવ્યા છે, કે જેમની સાથે ભરત રબારી દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હોય. હાલમાં અમે લોકોએ બેંકની બહાર એક સૂચના ચોંટાડી દીધી છે અને તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, જેમની પાસે આ પ્રકારનો બનાવ બન્યો હોય તેઓ સોમવારે અમારો સંપર્ક કરે.કોઈના નાણાં ડૂબશે નહીં, તમામને તેમના પૈસા પરત આપવામાં આવશે.નોંધનીય છે કે, બીજી તરફ ભરત રબારીએ હાલમાં આગામી 20 દિવસમાં તમામ પૈસા પરત આપવાની પણ બાંહેધરી આપી છે. ભરત રબારીએ સમગ્ર ઘટના બાદ ઝેર પી લીધું હતું. જેમાં તે હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરપંચ અને ઉપસરપંચે મામલામાં દરમિયાનગીરી કરતા ભેજાબાજ ભરતે ખાતેદારને રૂા. 10 લાખ તાત્કાલિક આપી દેવાની ખાતરી આપી હતી. જો કે બીજા દિવસે પણ આ પૈસા તેને આપ્યા ન હતા.

6 થી 7 હજારના પગારદાર પ્યૂનનું વૈભવી મકાન, અડધો ડઝન વાહનો
રૂા. 6થી 7 હજારનો પગારદાર પ્યૂન ભરત રબારીની જીવનશૈલીમાં છેલ્લાં કેટલાંય સમયથી બદલાવ આવ્યો હતો. બાઈક લઈને ફરતો ભરત અચાનક ચારથી પાંચ કાર, ત્રણથી ચાર બાઈકનો માલિક બની ગયો હતો. એવું ચર્ચાઈ રહ્યું છે કે, તેણે જે લોકોના ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા તેમને પણ તેણે કાર લઈ આપી હતી. જોકે, સમગ્ર હકીકતનો પર્દાફાશ થતાં જ તેણે પોતાના વાહનો સારસા સ્થિત તેમના સંબંધીને ત્યાં સંતાડી દીધા હતા.

કિસ્સો-1: 3 ના બદલે 6.25 લાખની લોન આપી, બાકીના નાણા પરત માગી જમા ન કર્યા
ત્રણ લાખની લોન માગી હતી પરંતુ બેંક દ્વારા મને 6.25 લાખની લોન આપી હતી. જેની મને જરૂર નહોતી. એટલે હું બેંક મનેજરને મળ્યો હતો અને તેમને બાકીની લોન પરત કરવા જણાવ્યું હતું. દરમિયાન, તેમણે મારી પાસે ફોર્મ ભરાવી પૈસા પરત ખાતામાં જમા કરાવી દેવા કહ્યું હતું. બેંક સિસ્ટમ પ્રમાણે, મેનેજરના કહેવાથી ભરત રબારીને સાથે રાખીને મેં તમામ કાર્યવાહી કરી હતી. દરમિયાન, થોડાં સમય પછી મારી લોન બાકી જ હોવાનું ખૂલ્યું હતું. મેં તપાસ કરાવી ત્યારે મને જાણવા મળ્યું કે, મેં પરત આપેલી લોનના નાણાં જિતેન્દ્રસિંહ નટવરસિંહ મહીડાના બદલે, જિજ્ઞેશ નરેન્દ્રસિંહ મહીડાના ખાતામાં બારોબાર જમા કરાવી દીધા હતા. - જિતેન્દ્રસિંહ નટવરસિંહ મહીડા, ખાતેદાર

કિસ્સો-2: મારા નામે 9 લાખની ક્રોપ લોન મંજૂર કરાવી બારોબાર નાણા ઉપાડી લીધા
વર્ષ 2020માં મેં ત્રણ લાખની ક્રોપ લોન લીધી હતી. ભરતભાઈને લોન ભરવા પૈસા આપ્યા હતા. હું માનતી હતી કે, પૈસા ભરાઈ ગયા હશે. પરંતુ એ પછી મારા પતિ જ્યારે પાસબુકમાં એન્ટ્રી પડાવવા જાય ત્યારે મશીન બંધ હોવાનું, વાયરો કપાઈ ગયા હોવાનું બ્હાનું કાઢીને પરત મોકલી દેવાાતા હતા. ગત મે માસથી પાસબુકમાં એન્ટ્રી પડી નહોતી. એ પછી બીજી તરફ નવ લાખની મારામાં ક્રોપ લોન મંજૂર થઈ હતી. જોકે, તેના નાણાં બારોબાર મારા ખાતામાંથી ઉપડી ગયા હતા. હવે મારામાં 5.76 લાખના લોન બાકી બતાવે છે. આ વખતે ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે અને દીકરાના લગ્ન પણ કરવાના છે તો પૈસા ક્યાંથી લાવવાના એ પ્રશ્ન છે. > મધુબેન અશોકિસંહ મહીડા, ખાતેદાર

કિસ્સો-3: અેફડી તોડી લોન ભરવા નાણા આપ્યા તો બોગસ પાવતી આપી
ત્રણ વર્ષ અગાઉ બેંકા પાસેથી રૂા. 2.80 લાખની ક્રોપ લોન લીધી હતી. એ પછી મેં મારી ફિકસ્ડ ડિપોઝિટ તોડીને ત્રીજી સપ્ટેમ્બરે તમામ લોન ભરપાઈ કરી દીધી હતી. જેની મને બેંકમાંથી પાવતી આપી હતી. થોડાં સમય અગાઉ મારી લોન બાકી પડી રહી હોવાની જાણ બેંક દ્વારા મને કરવામાં આવી હતી. જેને પગલે બેંકમાંથી અપાયેલી પાવતી બેંક કર્મીઓને બતાવી હતી. ત્યારે તે ડુપ્લિકેટ હોવાનું કહ્યું હતું. મારા પૈસા બારોબાર વપરાઈ જતા હતા. - વિક્રમસિંહ અમરસિંહ મહીડા, ખાતેદાર

( સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની મલાતજ શાખાના ખાતેદારોની રિફાકતખાન પઠાણ સાથે થયેલી વાતચીત અનુસાર)

અન્ય સમાચારો પણ છે...