અોસ્કર અેવોર્ડ સુધી પહોંચેલી બ્લોકબસ્ટર અારઅારઅાર સહિતની ફિલ્મની શૂટિંગ માટે પસંદ કરાયેલા હેરિટેજ લુક ધરાવતા ધર્મજમાં રોજના રૂા. 25 હજારની ફી રૂા. 1 લાખ કરી દેવાના વિવાદ બાદ હવે શૂટિંગ નહીં કરવા દેવા ગ્રામસભાઅે ઠરાવ કર્યો છે.જેને લઇને અગાઉથી બુકિંગ કરાવનાર પ્રોડયુસરો મુશ્કેલીમાં મુકાયા છે.
આ અંગે સરકારી ઉચ્ચ અધિકારીઅોની દરમિયાનગીરી બાદ પણ પંચાયત ટસની મસ થઇ નથી. ગ્રામજનોઅે શૂટિંગ ટાણે 20-20 કલાક સુધી ગામના મુખ્ય રસ્તા બંધ કરી દેવાતા હોવાથી ઘરોમાં નજર કેદ જેવી સ્થિતિમાં રહેવુ પડતે હોઇ કંટાળી ગ્રામસભામાં ઠરાવ કર્યો હોવાનો સૂર વ્યકત કર્યો છે.
આયોજન વગર શુટિંગ કરવામાં આવતાં હાલાકી
ફિલ્મ શુટિંગ વખતે આયોજનનો અભાવ હોવાથી ટ્રાફિક સહિતની સમસ્યા સર્જાય છે. ત્યારે પ્રોડયુસર દ્વારા આયોજન બધ્ધ રીતે શુટિંગ કરે તેમજ ગામના યુવકોને ટ્રાફિક નિવારણ માટે રોકીને રોજગારી આપવામાં આવે તો ગામને આર્થિક ફાયદો થાય તેમ છે. આ બાબતોને ધ્યાને રાખીને શુટિંગ થાય તો અમને કોઇ વાંધો નથી.> ભૂપેન્દ્ર આર પટેલ, સ્થાનિક રહીશ
ગ્રામજનોને રાત્રે મુશ્કેલીઓ પડતી હતી
શુટિંગ ચાલતુ હોય ત્યારે 10 -10 દિવસ સુધી ગામની ગલીઓ રોકાયેલી રહેતા લોકો અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ગલીઓ સાંકડી છે. તેમજ તોડાતોડ પણ થાય છે. જેની જવાબદારી કોઇ લેવા તૈયાર નથી. ગ્રામ પંચાયત પણ પાછળ હાથ ઉંચા કરી દે છે. એટલે ગ્રામજનોએ ગ્રામસભામાં જે ઠરાવ કર્યો છે. તે યોગ્ય છે. > પ્રકાશભાઇ પટેલ (બાદલ) સભ્ય, જિલ્લા પંચાયત
શુટિંગ વેળા થતી ગંદકીની સફાઇ કરાતી નથી
ધર્મજ ગામમાં શુટિંગ ટાણે રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવે છે. છેલ્લે જે શુટિંગ થયું તેમાં ગ્રામજનોને અવરજવર માટે અગવડતા વેઠવી પડી હતી. શુટિંગ સમયે ગંદકી થાય છે. તે સફાઇ કરવામાં આવતી ન હતી. તે યોગ્ય ન જ કહેવાયને એટલે ગ્રામસભાએ જે ઠરાવ કર્યો છે તેમાં હું સમંત છું. > જીગ્નેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય ધર્મજ
ગ્રામજનોને અવર જવરમાં મુશ્કેલી પડતાં જગ્યા ભાડે ન આપવા નિર્ણય
સમગ્ર ગ્રામસભાઅે શુટિંગ માટે જગ્યા ભાડે ન આપવાનો ઠરાવ કર્યો છે તે ગ્રામજનોઅે ગામનું હિત જોઈને જ કર્યો છે કારણ કે શુટિંગ ચાલતુ હોય તેવા સમયે અવર જવર બંધ થઈ જતાં ગામ લોકો મુશ્કેલીમાં મુકાય છે. > વિજય પટેલ, પૂર્વ સરપંચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.