તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં બે ATMમાંથી તસ્કરી:ઉંદેલના એટીએમ ચોરીમાં નિષ્ફળ ટોળકીએ પેટલાદ પહોંચી ATMમાંથી 21 લાખ ઉઠાવી ગયા

પેટલાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પેટલાદમાં એટીએમને તોડનાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. આ ટોળકીમાં અેક મહિલા હોવાની પણ સંભાવના છે. - Divya Bhaskar
પેટલાદમાં એટીએમને તોડનાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. આ ટોળકીમાં અેક મહિલા હોવાની પણ સંભાવના છે.
  • પેટલાદમાં જીઈબી પાસે એસબીઆઈના એટીએમને નિશાન બનાવ્યું

ખંભાતથી લઈ પેટલાદ સહિત સમગ્ર આણંદ જિલ્લાની પોલીસ ગુરૂવારે રાત્રિના ઊંઘતી ઝડપાઈ છે. આણંદ જિલ્લામાં ખંભાત તાલુકાના ઉંદેલમાં અને પેટલાદમાં જીઈબી પાસે આવેલા બે એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ઉંદેલના એટીએમને તોડવામાં નિષ્ફળ રહેલા તસ્કરોઅે 35 કિલોમીટર દૂર પેટલાદ જીઈબી પાસેના અેટીઅેમને તોડી રૂપિયા 20.22 લાખની ઉઠાંતરી કરી હતી. આમ, તસ્કરોએ જિલ્લામાં સરેઆમ પોલીસ પેટ્રોલિંગના દાવાઓને પોકળ બનાવ્યા છે. પોલીસે કબજે કરેલા સીસીટીવીમાં ચાર શખસ દેખાઈ રહ્યા છે.

પેટલાદ નડીઆદ રોડ સ્થિત પેટલાદ જીઈબી પાસે એસબીઆઈ બેન્ક આવેલી છે. જે બેન્કની પાસે હિટાચી કંપનીનું એટીએમ આવેલું છે. શુક્રવારે સવારે પોણા નવ કલાકે બ્રાન્ચ મેનેજર રમેશ કટારા બેંકમાં આવ્યા હતા. દરમિયાન, બેંકની પાસેનું એટીએમનું શટર બંધ હાલતમાં જોતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. સામાન્ય રીતે બેંકનું એટીએમ 24 કલાક ખુલ્લું રહેતું હોય છે. પરંતુ શટર પડેલું જોતાં જ તેઓએ શટરને ઊંચુ કરીને જોયું હતું. જેમાં એટીએમ તૂટેલી હાલતમાં હતું. આ બનાવની જાણ તેમણે ઉચ્ચ અધિકારીઓને કરતાં તથા પોલીસને કરતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

દરમિયાન, તપાસ કરતાં ચાર જણાં કાળા રંગની કાર લઈને આવ્યા હતા અને તેમણે એટીએમ ચેઝ ડોર અને પ્રેઝન્ટર તોડી રૂપિયા 22.20 લાખની ચોરી કરી હતી. તપાસ દરમિયાન, જાણવા મળ્યું હતું કે, ગેંગ દ્વારા અગાઉ રાત્રિના સાડા ત્રણ કલાકે ખંભાત તાલુકાના ઉંદેલ ગામે આવેલા બેંક ઓફ બરોડાનું એટીએમ તોડવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ત્યાં સાઈરન ગુંજી ઉઠતાં ત્યાંથી તેઓ ભાગી ગયા હતા અને પેટલાદ 4.20 ની આસપાસ આવી ચોરીને અંજામ આપ્યો હતો.

સિક્યોરીટીની કોઈ વ્યવસ્થા જ નહોતી
25 મી ઓગસ્ટના રોજ એટીએમમાં કંપની દ્વારા રૂપિયા 17 લાખ લોડ કરાયા હતા. એટીએમમાં અગાઉ રૂપિયા 9.23 લાખ હતા. આમ, કુલ રૂપિયા 26.23 લાખ હતા, જે પૈકી સમગ્ર દિવસ દરમિયાન, લોકોએ રૂપિયા 6.01 લાખ ઉપાડ્યા હતા. જેને પગલે રૂપિયા 20.22 લાખ બચ્યા હતા. આટલી મોટી રકમ એટીએમમાં હોવા છતાં પણ સિક્યોરીટીની કોઈ વ્યવસ્થા કરાઈ નથી. પોલીસ દ્વારા એફએસએલ, ડોગ સ્કવોડની મદદ લઈ એલસીબી, એસઓજી સહિતની ટીમ દ્વારા પગેરૂં મેળવવાની કવાયત હાથ ધરાઈ છે.

33.50 લાખની ATM ચોરીનો ભેદ વણઉકેલ્યો
વિદ્યાનગર-કરમસદ રોડ સ્થિત સંતરામ એવેન્યુ કોમ્પલક્ષમાં એસબીઆઈ પાસે બેન્કનું એટીએમ આવેલું છે. 17મી એપ્રિલ, 2017 ના રોજ રાત્રિના તસ્કરોએ ગેસ કટરથી કેસ બોક્સ સાઈડ કાપી નાંખીને અંદર મૂકેલા રોકડા રૂપિયા 33.50 લાખની ચોરી કરી હતી. આ ઉપરાંત અજરપુરામાં રૂપિયા 5 લાખની એટીએમની ચોરીનો ભેદ પણ હજુ વણઉકેલ્યો છે.

સાયરન ન વાગે એટલે સ્પ્રે છાંટ્યું
પેટલાદ એટીએમ પાસે તસ્કરો 4.19 વાગ્યે પહોંચી ગયા હતા. એ પછી તેઓએ આજુબાજુની રેકી કરી ઉંદેલ જેવી સાયરન અહીં ના વાગે તે માટે પહેલા જ સાયરનના કેબલો કાપી નાંખ્યા હતા. એ પછી એટીએમમાં પ્રવેશ કરી સીસીટીવી પર સ્પ્રે છાંટી કેમેરાને બંધ કર્યો હતો.

મહિલાની સંડોવણીની પણ શક્યતા
સવારે 4.20 કલાકે એટીએમની નજીક તસ્કરો કાર લઈ આવી પહોંચ્યા હતા. એક તસ્કરે પહેલા ગાડીમાંથી ઉતરી એટીએમની આજુબાજુ અને અંદર તપાસ કરતા સિક્યોરીટી ન દેખાતા બિન્દાસ રીતે પોતાના બે સાથીદારોને ઈશારો કરી એટીએમ તોડવાની સાધન સામગ્રી લઈને બોલાવ્યા હતા અને ત્યારબાદ ગાડીના ડ્રાઈવરે કારને રીવર્સ કરી એટીએમની બાજુમાં પાર્ક કરી હતી. ગુનામાં એક મહિલાની પણ સંડોવણીની શક્યતા જોવાઈ રહી છે.