પેટલાદ એસટી ડેપોમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં 2 વર્ષ અગાઉ 50 થી વધુ એસટીરૂટો દોડાવવામાં આવતાં હતા. તે ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યાં છે. જેથી લોકોને ખાનગી વાહનનોમાં જીવના જોખમે મુસાફરી કરવાનો વખત આવે છે.પેટલાદ ડેપોમાંથી બંધ કરાયેલ વિવિધ ગ્રામ્ય વિસ્તારોના રૂટો સહિત લાંબા અંતરના રૂટો સત્વરે પુનઃ ચાલુ કરવા માંગ ઉઠવા પામી છે.
પેટલાદ ડેપોમાંથી એક જ રૂટ વાયા બાંધણી ચોકડી, અમદાવાદ, આણંદ, નડિયાદ, ડાકોર, કપડવંજ, શામળાજી, અંબાજી તથા અન્ય સ્થળોએ એસટી બસો દોડાવવામાં આવે છે. ટૂંકા અંતરે આ રૂટો ઉપર દોડતી કેટલીક બસો એક્સપ્રેસ હોઈ ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને એસ.ટી. બસની સુવિધા મળતી નથી. જેને લઈ મુસાફરોને નછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે.
ઉપરાંત પેટલાદ તાલુકાના પાળજ, પીપળાવ, કાસોર, ચાંગા તરફ જવા માટે કોઈ રેગ્યુલર રૂટની બસો દોડતી નથી. પીપળાવ યાત્રાધામ હોવા છતાં અવર-જવર માટે કોઈ સ્પેશ્યલ એસ.ટી. બસની સુવિધા ન હોઈ કેટલીક વાર મુસાફરોને રઝળપાટ કરવી પડે છે.
પેટલાદથી બોરસદ, સોજિત્રા, માતર, ખેડા સહિતના તાલુકાઓને જોડતી એસ.ટી. બસ સુવિધા જૂજ છે. જેને લઈ આ રૂટ ઉપર દોડતી એસ.ટી. બસોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળે છે. કેટલીક વાર એસ.ટી. બસોમાં જગ્યા ન મળતા મુસાફરો વચ્ચે ચકમક પણ ઝરતી હોય છે.
તો બીજી તરફ બોરસદ-સોજિત્રા તથા આણંદ ખાતે આવેલ શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા પણ વધુ હોઈ ગ્રામ્ય વિસ્તારના બાળકોને યોગ્ય એસ.ટી. બસ સુવિધાનો લાભ મળતો નથી. એસ.ટી. વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે મુસાફરોના હિતમાં સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.