બેંક એફડી ફ્રોડ:મલાતજના બેંક કૌભાંડમાં વધુ 11 અરજી મળી

પેટલાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • તપાસ માટે ગાંધીનગરથી રીજીયોનલ હેડ સહિતના કાફલાના ધામા

સોજિત્રા તાલુકાના મલાતજ ગામે રૂપિયા બે કરોડથી વધુની એફડી તથા ક્રોપ લોનના નાણાંનો બારોબાર વહીવટ કરી દેવાના બનાવમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના સત્તાધીશો દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણ બહાર આવ્યા બાદ ગત શનિવારથી જ ગાંધીનગરથી રીજીયોનલ હેડ સહિતનો કાફલો મલાતજ ગામે ધામા નાંખીને બેઠો છે અને ઓડિટ કરી રહ્યો છે. પ્યૂન ભરત રબારીએ કોની સાથે છેતરપિંડી કરી હતી તેની વિગત મેળવવા માટે અધિકારીઓ દ્વારા બેંક બહાર જેની સાથે છેતરપિંડી થઈ હોય તેમણે બેંકનો સંપર્ક કરવો તેવા બોર્ડ માર્યા છે.

વધુમાં સોમવાર હોય મોટાભાગના લોકો પોતાની એફડી અને ક્રોપ લોનની તપાસ કરવા પહોંચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે વધુ 11 અરજદારો દ્વારા અરજીઓ આપવામાં આવી છે. પરંતુ સમગ્ર પ્રકરણમાં પ્યૂન ભરત રબારી ઉપરાંત બેંક મેનેજર સહિત અન્યની પણ સંડોવણી હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. એનઆરઆઈ અને સમગ્ર પ્રકરણને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સંજયભાઈ ત્રિવેદીએ આ અંગે આશંકા વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, તેમની એફડી માટે હાથથી બનાવેલી રીસીપ્ટ પકડાવી હતી.

જ્યારે પણ તેઓ ભરતને ફોન કરતાં ત્યારે બેંક મેનેજર કામથી બહાર હોવાનું તેમજ બિમાર હોવાનું, વધુમાં સર્વર ડાઉન હોવાના બહાનાં કાઢતા હતા. ગત ઓક્ટોબરમાં તેમણે 10 લાખના પાંચ ચેક મારી પાસેથી સહી કરાવીને લીધા હતા. જોકે, તેમાં બીનીફિશીયરીના નામ લખાવ્યા નહોતા. જોકે, આ વાતને પંદર દિવસ કરતાં વધુ સમય થવા છતાં પણ તેમને કોઈ રીસીપ્ટ આપી નહોતી.

ભરત રબારીે, મેનેજરની સહી કરેલી હાથથી બનાવેલી રીસીપ્ટ આપી હતી. જેમાં પાકતી મુદૃતે મળતી વ્યાજની રકમમાં પણ ગોટાળો હતો. સમગ્ર હકીકત તેમને જણાવતાં પાકી રીસીપ્ટ આવતાં વાર લાગશે, વાયરો કપાઈ ગયા છે, સર્વર ડાઉન, બેંક મેનેજરના પત્ની બિમાર છે જેવા બહાના કાઢી વાતને ટાળતા હતા. આખરે, સંજયભાઈએ ડેમોલ જઈને તપાસ કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

10 લાખથી વધુની ચૂકવણીમાં મંજૂરી જરૂરી
સરકાર દ્વારા ગત 1 જુલાઈ, 2022થી પોઝિટીવ પે સિસ્ટમ (પીપીએસ)લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે રૂપિયા 10 લાખ કે તે કરતાં વધુ રકમની ચૂકવણી કોઈ ખાતેદાર દ્વારા કરવામાં આવતી હોય ત્યારે તે કિસ્સામાં તે ખાતેદારનું એપ્રુવલ લેવાનું હોય છે. એપ્રુવલ બેંક મેનેજર દ્વારા લેવામાં આવતું હોય છે. પરંતુ સંજયભાઈ ત્રિવેદીના રૂપિયા 50 લાખના ચેકનું કોઈ પણ પ્રકારનું એપ્રુવલ લેવામાં આવ્યું નહોતું. સંજયભાઈએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે, સિસ્ટમમાંથી તેમણે કંઈક કર્યું હશે તો તેમને કેટલાંય સમયથી બેંકને લગતા મેસેજ પણ મળતા નહોતા.

અન્ય સમાચારો પણ છે...