આઝાદી કા અમૃત મહોત્સવ:આણંદમાં મંગળવારે હર ઘર તિરંગાની થીમ પર તાજિયાનું ઝુલુસ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાજિયા કમીટીનાં હોદ્દેદારો અને પોલીસ વચ્ચે મિટીંગ યોજાઈ ઃ 3 હજારથી વધુ તિરંગા લહેરાશે

આણંદ શહેરમાં હજરત ઈમામ હુસૈન અને તેમનાં 72 જાનિસાર સાથીઓની યાદમાં આગામી મંગળવારે તાજિયા પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે આ વખતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે તાજિયાનું ઝુલુસ હર ઘર તિરંગાની થીમ પર પ્રસ્થાન કરશે, આ માટે તમામ તાજિયા કમીટીનાં હોદ્દેદારો અને પોલીસ વચ્ચે મિટીંગ યોજાઈ હતી.જેમા 3 હજારથી વધુ તિરંગા લહેરાશે.

આ પ્રસંગે આણંદ ટાઉન પીઆઈ વાય આર ચૌહાણે જણાવ્યું હતું કે તાજિયાનાં જુલુસમાં કોઈ નવા તાજિયા કમીટીને મંજુરી આપવામાં નહી આવે પરંતુ જે વર્ષોની પરંપરા મુજબ તાજિયા કમીટી તાજિયા કાઢે છે તેનેજ પરવાનગી આપવામાં આવશે તેમજ તાજિયાનાં ઝુલુસનુ રૂટ પરંપરાગત રહેશે તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહી,આણંદ ડીવીઝનનાં ડીવાયએસપી બી ડી જાડેજાએ જણાવ્યું હતું કે ખાસ કરીને હાલમાં સોશિયલ મિડીયામાં ફેક મેસેજ ફેલાતા હોય છે,અને તેનાં કારણે અશાંતી સર્જાતી હોય છે,ત્યારે ખાસ કરીને તાજિયા કમિટીનાં હોદ્દેદારો તેમજ અન્ય લોકોએ સોશિયલ મિડીયામાં આવતા ભ્રામક ફેક મેસેજોથી સાવધાન રહેવું અને આવા કોઈ મેસેજો ફેલાતા હોય તો પોલીસનું અથવા તો સેન્ટ્રલ તાજિયા કમિટીનાં હોદ્દેદારોનું ધ્યાન દોરવું અને તાજિયાનું જુલુસ સમયસર અને શાંતીપૂર્ણ રીતે પસાર થાય તે માટે પણ અનુરોધ કર્યો હતો.

આણંદ શહેર સેન્ટ્રલ મહોરમ કમિટીનાં ઉપપ્રમુખ સઈદ અહેમદ મલેકએ જણાવ્યું હતું કે તાજિયાનાં જુલુસ દરમિયાન ખાસ કરીને મહેન્દ્ર શાહ ચોકડીથી બસ સ્ટેન્ડ તરફ જતા માર્ગ પર ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તે માટે એક તરફનો માર્ગ બંધ કરવા અને ટ્રાફિક પોલીસને તૈનાત કરવાની રજુઆત કરી હતી,ખાસ કરીને સઈદઅહેમદ મલેકએ રજુઆત કરતા જણાવ્યું હતું કે આજે જયારે દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ધર તિરંગા અભિયાન હાથ ધરાયું છે.

આ તાજિયાનાં ઝુલુસમાં તિરંગાઓ લહેરાવવામાં આવશે અને તમામ તાજિયા તેમજ વાહનો પર પણ તિરંગાઓ લગાવી તમામ મુસ્લિમ સમાજ હર ધર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગાઓ લહેરાવી દેશપ્રેમની લાગણી વ્યકત કરશે.તાજિયાનું જુલુસમાં દરેક તાજિયાઓ અમીના મંઝીલ રેલ્વે ફાટક પોલસન ડેરી રોડ થઈને ગુજરાતી ચોકમાં એકત્ર થસે અને અહીયાંથી તાજિયાનાં ઝુલુસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવશે ત્યારબાદ ઝુલુસ ગુજરાતી ચોકથી પ્રસ્થાન કરી મહેન્દ્ર શાહ ચોકડી,એન એસ સર્કલ,યોગી પેટ્રોલપંપ,નવા બસસ્ટેન્ડ થઈને ગોયા તળાવ પહોંચશે અને તળાવમાં તાજિયા વિસર્જન કરવામાં આવશે,તાજિયા વિસર્જનને લઈને આણંદ નગરપાલિકાનાં ફાયરબ્રિગેડ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...