ફિયાસ્કો:આણંદમાંથી મોટર એક્સિડન્ટ સ્કીમમાં આ વર્ષે શૂન્ય લાભાર્થી

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેકમાત્ર અરજદારે યોજના પહેલાના બિલ મૂકતા નામંજૂર

કેન્દ્ર સરકારની વર્ષ 2022થી મોટર એક્સિડન્ટ સ્કીમ લાગુ કરવામાં આવી છે. જેમાં આણંદ પ્રાંત કચેરીમાં એક પણ લાભાર્થીને આર્થિક સહાયનો લાભ મળ્યો નથી. જિલ્લામાં જે તે પ્રાંત અધિકારી દ્વારા મોટર એક્સિડન્ટ સ્કીમના કેસ મંજૂર કરવાની સત્તા આપવામાં આવી છે. આણંદ પ્રાંત કચેરીમાં ગત વર્ષે વાસદ નજીક થયેલ અકસ્માતમાં વળતર માટે એક અરજદાર દ્વારા રજૂઆત કરાઇ હતી.આ કેસમાં અરજદારે યોજના શરૂ થયા પહેલાના બિલ અને અન્ય પુરાવા રજૂ કર્યા હતા. જેના પગલે આ કેસ નામંજુર કરવામાં આવ્યો હતો.

આ અંગે આણંદ પ્રાંત કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ એક એપ્રિલ 2021થી આ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં અજાણ્યા વાહન દ્વારા અકસ્માત થાય તેવા સંજોગોમાં અકસ્માતની ગંભીરતા પ્રમાણે વળતર પરિવારને મળે છે. જેમાં સારવાર ખર્ચથી માંડીને અન્ય જરૂરી પુરાવા રજૂ કરવા જરૂરી છે. ગત વર્ષે નડિયાદના અર્જુનભાઈ ધનજીભાઈ વાઘેલા નામના અરજદારે પ્રાંત કચેરીમાં વળતર માટે અરજી કરી હતી જોકે તેમાં યોજના અમલમાં મુકવા આવી એ પહેલાંના બિલ રજૂ કરતા, તેમની અરજી સ્વીકારવામાં આવી ન હતી. આ યોજના અમલ આવ્યા બાદ આણંદ પ્રાંત કચેરી હસ્તક આવતા વિસ્તારમાંથી અન્ય એક પણ અરજી આવી ના હોવાનું કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.