બોરસદના યુવકે નોકરી ન મળતાં આખરે હારી-થાકીને તેણે ઉમેટા બ્રિજ પરથી મહીસાગર નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આંકલાવના ઉમેટા બ્રિજ પરથી બુધવારે સાંજે બોરસદના જંત્રાલ ગામે રહેતા યુવકે પડતું મૂક્યું હોવાની માહિતી આંકલાવ પોલીસે અને ફાયરબ્રિગેડને આપવામાં આવી હતી.
જેને પગલે ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં 12 કલાકની મહેનત બાદ સ્થાનિક તરવૈયા તેમજ ફાયરબ્રિગેડ મદદથી યુવકનો મૃતદેહ ગુરૂવારે બપોરે શોધી કઢાયો હતો. બાઈક નંબર અને મૃતદેહ પરથી યુવક બોરસદના જંત્રાલ ગામે રહેતો 26 વર્ષીય કમલેશભાઈ રામાભાઈ પરમાર હોવાનું ખૂલ્યું હતું. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં છેલ્લાં કેટલાંય સમયથી યુવકની નોકરી છૂટી ગઇ હતી અને નવી નોકરી મળતી નહોતી. જેને કારણે તે હતાશ થઈ ગયો હતો.
આંકલાવ પોલીસે વાસદ પોલીસને અનુસરવું જોઈએ
ઉમેટા બ્રિજ પરથી એક માસમાં ત્રણથી ચાર લોકો આપઘાત કરતા હોય છે. અગાઉ વાસદ બ્રિજ પરથી પણ આ પ્રકારની અનેક ઘટનાઓ બનતી હતી. જેને કારણે આપઘાત કરવા આવતી વ્યક્તિને માર્ગદર્શન આપવા, તેમનું કાઉન્સેલિંગ કરવા માટે વાસદ પોલીસે તેમનો નંબર આપી આપઘાત કરતાં પહેલાં વાસદ પોલીસનો સંપર્ક કરવાના બોર્ડ માર્યા હતા. અનેક વખત અહીં આપઘાત માટે કોઈ આવે અને જો કોઈ જોઈ જાય તો પણ તે બચાવીને પોલીસને જાણ કરતા હતા. આંકલાવ પોલીસ દ્વારા પણ આ પ્રકારનું સ્તુત્ય પગલું ભરવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.