પેટલાદમાં એક વર્ષ અગાઉ આઠ વર્ષીય બાળકીને રમવા લઈ જવા તથા ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ કરનારા 19 વર્ષીય યુવકને આણંદ જિલ્લા કોર્ટે તકશીરવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા 22 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ આઠ માસની સાદી કેદની સજા ફટકારી છે.
પેટલાદ શહેરની વેસ્ટર્ન ઈંગ્લીશ મીડીયમ સ્કુલની સામે આવેલા પ્રમુખ બંગલામાં અક્ષય ધીરજ ઠાકોર નામનો 19 વર્ષીય યુવાન પોતાના પરિવાર સાથે રહેતો હતો. દરમિયાન, તે આઠ વર્ષીની બાળકીને અવારનવાર તેની સાથે રમવાના બહાને લઈ જતો હતો અને એક મકાનમાં લઈ જઈ કપડાં કાઢી નાખી તેની સાથે છેડછાડ કરતો હતો.
ગત 14 ડિસેમ્બર, 2020ના રોજ અક્ષય બાળાના ઘરે ગયો હતો અને તેને રમવાના બહાને લઈ ગયો હતો. થોડીવારમાં આ બાળા રડતી રડતી ઘરે આવી હતી. એટલે તેની માતા અને પિતાએ તેને પૂછતાં તેણે અક્ષય દ્વારા કરવામાં આવતી હરકતો અંગે જણાવ્યું હતું. જેને પગલે તેમણે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે તે સમયે પોલીસ દ્વારા માત્ર છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
દરમિયાન, કેસ ચાલવા પર આવ્યો હતો. એ સમયે બાળકીએ આપેલા નિવેદન અને 164 મુજબ લેવાયેલું નિવેદનમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું પણ ખૂલ્યું હતું. જેને પગલે કલમ 376 (દુષ્કર્મ)નો ઉમેરો કરાયો હતો. સરકારી વકીલ વી. બી. મહીડાએ 10 સાક્ષી અને 23 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. માતા-પિતા, મેડિકલ ઓફિસરની જુબાનીને કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપી અક્ષય ઠાકોરને દુષ્કર્મ અને પોક્સો કલમ અંતર્ગત વીસ વર્ષની સખત જેલ અને રૂપિયા 22 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ આઠ માસની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત પીડિતાને વળતર પેટે રૂપિયા પાંચ લાખ ચૂકવવા આદેશ કર્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સમગ્ર કેસમાં પોલીસે પ્રથમ માત્ર છેડતીનો જ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પરંતુ બાળકીએ આપેલા નિવેદનમાં તથા તબીબી રિપોર્ટમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું ખૂલ્યું હતું. જેને પગલે કોર્ટના આદેશ બાદ સમગ્ર ઘટનામાં દુષ્કર્મની કલમનો ઉમેરો કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.