કામગીરી:આણંદ જિલ્લામાં પાણીની સંગ્રહ શક્તિ વધારવા 15 તળાવ ઉંડા કરવાનું કામ શરૂ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 તળાવોને ઉંડા કરવા લોકભાગીદારી માટે કોઇ તૈયાર ન થતાં કામ અટક્યું

આણંદ જિલ્લામાં આગામી વર્ષોમાં સિંચાઇ સહિત વપરાશ માટે પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા 32 તળાવ લોક ભાગીદારીથી ઊંડા કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. ચોમાસા પહેલાં તળાવ ઊંડા કરવાનું કામ પૂર્ણ કરવામાં આવનાર છે.

જો કે આણંદ જિલ્લામાં હાલ15 તળાવ ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે. બાકીના 16 ગામોમાં લોક ભાગીદારી માટે કોઇ તૈયાર ન હોવાથી તેમજ અન્ય કોઇ કારણસર હજુ સુધી કામ હાથધરવામાં આવ્યું નથી. પરંતુ તંત્ર દ્વારા જિલ્લામાં વધુ ને વધુ તળાવો ઊંડા થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. તેમ જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના ઇજનેરે જણાવ્યું હતું. જિલ્લામાં આણંદ તાલુકામાં 13,બોરસદ તાલુકાના 3, પેટલાદમાં 3, ખંભાતના 2, આંકલાવના 6, સોજીત્રામાં 2, તારાપુરમાં 2 તળાવો ઊંડા કરવામાં માટે જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું જો કે હાલ આણંદ તાલુકાના 8 તળાવો સહિત જિલ્લામાં 15 તળાવ ઊંડા કરવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.

લોકભાગીદારીને કારણે જે ખેડૂતો કે ગામના લોકોનેજરૂરીયાત હોય તેવા લોકો તળાવની કાપવાળી માટી લઇ જઇને ખેતરમાં ભરી રહ્યાં છે. તો વળી કેટલીક જગ્યાએ સરકારી કામોમાં કે અન્ય કોન્ટ્રાકટર દ્વારા તળાવ ઊંડા કરવાનો ખર્ચ ભોગવીને માટી કામસ્થળે લઇ જાય છે. હાલમાં 15 તળાવોનું 60 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.ચોમાસા પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે. જયારે બાકી રહેલા 16 તળાવોની કામગીરી વહેલી તકે હાથધરવામાં આવે તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...