મહિલા હેલ્પ લાઈન:મહિલાનો અભયમને કોલ - હું પતિના શંકાશીલ સ્વભાવથી કંટાળી ગઈ છું,પ્લીઝ મારી હેલ્પ કરો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભયમે દંપતીનું સમાધાન કરાવી કાયદો- અધિકાર સમજાવ્યા

ક્યાં જાય છે, તું ત્યાં કેમ જાય છે, તેં કેમ આવા કપડાં પહેર્યાં છે ? આ વ્યક્તિ સાથે તારે વાત કરવાની નથી, તું કેમ ફલાણી વ્યક્તિ સાથે વાત કરતી હતી ? બહેન હું મારા પતિના આવા શંકાશીલ સ્વભાવથી કંટાળી ગઈ છું… પ્લીઝ મને હેલ્પ કરો… આણંદની મહિલા હેલ્પલાઈન અભયમને તાજેતરમાં મળેલા આ કોલથી મહિલા કાઉન્સિલરે તુરંત જ કોલ કરનારી મહિલા ને વહારે ગઈ હતી અને દંપતિનો સમજાવી સુખદ સમાધાન કરાવ્યું હતું.

આ સમગ્ર બનાવ અંગે વાત કરતા અભયમના મહિલા કાઉન્સિલરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, થોડાં સમય પહેલાં એક ત્રાહિત મહિલાનો કોલ આવ્યો હતો. મહિલાએ ફરિયાદના સૂરમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન જીવનને 10 વર્ષ થઈ ગયા છે અને તેને સંતાનમાં 6 વર્ષનો પુત્ર અને 4 વર્ષની પુત્રી છે. તેના પતિ દારૂ પીવે છે તથા શંકા કરી તેણીને નાની નાની બાબતે રોક ટોક કર્યા કરે છે. તે હરહંમેશ શંકા કરી આજુબાજુની સ્ત્રીઓ સાથે બેસવા નહીં જવાનું તેમ કહીને ઠપકો આપે છે. ઘરની બહાર ન નીકળવા ઉપરાંત સસરા સાથે રિક્ષામાં જવા બાબતે પણ તે ગુસ્સો કરતો હતો. જેથી આખરે કંટાળીને મહિલા પિયર ચાલી ગઈ હતી.

જોકે, તેણીને ઘરસંસાર ચલાવવું હોય તેણે આખરે અભયમની મદદ લીધી હતી. અભમયની ટીમ દ્વારા મહિલા સ્વાતંત્ર્યનો કાયદો અને અધિકાર સમજાવ્યા હતા. મહિલા સાથે ગેરવર્તુંણૂંક ન કરવા અને તેને જ્યાં જવું હોય, જે કપડાં પહેરવા હોય, આસપાસના લોકો સાથે સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. મહિલાનું તથા તેના પતિનું કાઉન્સિલિંગ કરી લગ્ન જીવનને તૂટતાં બચાવ્યું હતું. વધુમાં જો પતિ દ્વારા આગામી સમયમાં કોઈ પણ પ્રકારનું પગલું ભરવામાં આવશે તો પતિ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ટીમ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

સમગ્ર કિસ્સામાં સસરાએ જ પુત્રવધુને અભયમમાં ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. નોંધનીય છે કે, આ સેવાના માધ્યમથી મહિલા ને તાત્કાલિક બચાવ, મદદ ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાના કાઉન્સેલિંગ જેવી સેવા થકી હકારાત્મક રીતે મહિલાઓની જે તે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે. સામાન્ય રીતે મોટાભાગની મહિલાઓ અભયમની આ સેવાથી માહિતગાર જ છે. પરંતુ આમ છતાં ઘણા કિસ્સામાં મહિલાઓ અજાણ હોય છે.

અન્ય સમાચારો પણ છે...