અકસ્માત:આણંદના મોગરીમાં મિનિ ટ્રકની ટક્કરે મહિલાનું મોત,આશરે 45 વર્ષના આશરાની મહિલા ભટકતું જીવન જીવતાં હતાં

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આણંદના મોગરી ગામના યોગી સર્કલ પાસે પુરપાટ ઝડપે જતી મિનીટ્રકે ડિવાઇડર પાસે ઉભેલા 45 વર્ષિય મહિલાને ટક્કર મારતા તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે મિનીટ્રકના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદના મોગરી ગામે યોગી સર્કલ પાસે આવેલા એડીઆઈટી તરફ જવાના રસ્તા પરના ડિવાઇડર પાસે મંગળવારની રાત્રે અજાણી 45 વર્ષિય આશરાની મહિલા ઉભી હતી. તે સમયે ત્યાંથી પુરપાટ ઝડપે નિકળેલા મિનીટ્રકના ચાલકની બેદરકારીના કારણે તે હડફેટમાં ચડી ગયાં હતાં. મિનીટ્રકના ચાલકે માનવતા દાખવ્યા વગર પુરપાટ ઝડપે વાહન ચલાવી ભાગી ગયો હતો. જેના કારણે મિનિટ્રકના તોતિંગ વ્હીલ મહિલાના શરીર પરથી ફરી વળતાં ગંભીર ઇજા પહોંચી હતી. આ દ્રશ્ય નિહાળી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને 108ની મદદથી મહિલાને તાત્કાલિક સારવાર માટે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે રમીકભાઈ રાઠોડની ફરિયાદ આધારે વિદ્યાનગર પોલીસે મિનીટ્રકના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ અંગે તપાસ અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. બી. પરમારે જણાવ્યું હતું કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા રખડતું ભટકતું જીવન જીવતાં હતાં. તેઓના પરિવારજનોની શોધખોળ ચાલું છે. આ ઉપરાંત અકસ્માત સર્જનાર મિનીટ્રકના ચાલકની ઓળખ માટે પણ સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...