દિવ્યાંગ દર્દીનો જીવનદીપ પ્રજવળ્યો:આણંદના સાંસદની મધ્યસ્થતાથી કરમસદ કૃષ્ણ હોસ્પિટલે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીના સારવારનો 7 લાખનો ખર્ચ માફ કર્યો

આણંદ7 મહિનો પહેલા
  • મૃત્યુ સામે ઝઝૂમતા વલસાડના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ​​​હોસ્પિટલની ટીમે નવુ જીવન આપ્યું

આણંદ કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલની ઉદાર સખાવતે માનવતાનો દિપ પ્રવલ્લીત કર્યો છે. મૃત્યુ સામે ઝઝૂમતા વલસાડના પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીને નવજીવન આપી હોસ્પિટલની ટીમે એક ગરીબ પરિવારનો દિકરાનો જીવ બચાવી પરિવારને દિવાળીની ખુશીઓ ભેટ ધરી છે. જ્યારે હોસ્પિટલે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીના સારવારનો 7 લાખનો ખર્ચ પણ માફ કર્યો છે.

એક મહિના સુધીની સઘન સારવાર બાદ દર્દીને રજા આપવામાં આવી છે. આ પ્રસંગે હોસ્પિટલ ડોકટર, સ્ટાફ અને ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા. આણંદ સાંસદે આ દર્દીની સારવારમાં અંગત રસ દાખવ્યો હતો અને આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને પોતાના સાંસદ રથમાં વલસાડ ઘરે રવાના કર્યો હતો. આ તબક્કે પીડિત દર્દીના પરિવારજનોએ આણંદ સાંસદ, હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફનો અશ્રુભીના હૃદયે આભાર વ્યક્ત કર્યો હતો.

આ અંગે રાષ્ટ્રીય અંધજન મંડળ સ્વંયસેવક ચિરાગ પટેલના જણાવ્યા મુજબ, આણંદ જિલ્લા શાખા ડી. જે હોસ્ટેલ વલ્લભ વિધાનગરમાં રહી અભ્યાસ કરતાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી નરેશ ઝીપરભાઈ રાઉત (ઉ.19) બંને આંખે સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ છે. જે વેકેશન અર્થે વલસાડ ગયો હતો. જ્યાંથી નવા એડમિશન માટે આણંદ આવવાનો હતો જે દિવસ પૂર્વે તેના ઘરે તેનાથી અજાણતા કાંઈક ઝેરી વસ્તુ દાંતે ઘસી લેવાઈ હતી. જે અંગે તે અજાણ હતો. જોકે, તે બાદ બીજા દિવસે તે આણંદ આવ્યો હતો અને અહીં ખાવાપીવામાં તે ઝેરી વસ્તુની અસર ઘેરી બનતા પ્રજ્ઞાચક્ષુ નરેશ રાઉતને તારીખ 22 સપ્ટેમ્બર 2021ના રોજ ફૂડ પોઇઝનની અસર વર્તાઈ હતી.

આ ગંભીર ઇમરજન્સી માં સંસ્થા દ્વારા કરમસદ શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતો.જે દરમ્યાન તેની પરિસ્થિતિ વધુ ગંભીર થતા તેને 3 કલાકની પ્રાથમિક સારવાર બાદ આઈ.સી.યુ.માં લઈ જવાની ફરજ પડી હતી.

આ અંગે સાંસદ મિતેષભાઈ પટેલના જણાવ્યા મુજબ,આ દિવ્યાંગ વિદ્યાર્થીની મોટી રકમનો સારવાર ખર્ચ રાષ્ટ્રીય અંધજન મંડળ કે દર્દી નરેશ રાઉતના ગરીબ પરિવારજનો ખર્ચ ને પહોંચી શકે તેમ ન હતા.જેથી સંસ્થા દ્વારા આણંદ સાંસદ કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો અને દર્દીની કરુણતા બાબતે જાણકારી આપવામાં આવી હતી.આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા હોસ્પિટલના તમામ ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરતા હોસ્પિટલ સંચાલક મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ દર્દી નરેશના આઈ.સી.યુ.વેન્ટિલેટર અને મેડિસિનનો 7 લાખ જેટલો ખર્ચ માફ કરવામાં આવ્યો હતો.

આ અંગે શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના ટ્રસ્ટી કિરણભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે 'માનવ સેવા એજ પ્રભુ સેવા' સાચા અર્થમાં સાર્થક કર્યું છે 19 વર્ષના દિવ્યાંગ વિધાર્થી નરેશ ની એક મહિનાની સારવારમાં અંદાજિત સાત લાખથી વધુનો ખર્ચ થતો હતો. જે અને દર્દી પરિવાર અને સેવાભાવી અંધજન મંડળ દ્વારા સાંસદ મિતેષભાઈ પટેલનો સંપર્ક કરાયો હતો. જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી દારુણ પરિસ્થિતિને જોઈ અને તે પરિવાર અને યોગ્ય તપાસ કરી હોસ્પિટલ ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લઈ આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી.

આ કરુણ ઘટનાને ધ્યાને આવ્યા બાદ મેનેજમેન્ટ દ્વારા અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો.છે. જેમાં આગામી સમયમાં કોઈપણ કોઈપણ અંગમાં સંપૂર્ણ દિવ્યાંગ વ્યક્તિની ગંભીર પરિસ્થિતિમાં સારવારનો ખર્ચ હોસ્પિટલ તંત્ર જ ભોગવશે અને સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે.

એક મહિના દરમિયાન આરોગ્યલક્ષી તમામ સેવાઓ પૂરી પાડેલ તે બદલ રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ ના જનરલ સેક્રેટરી સુધાબેન પટેલ અને સ્વંય સેવક ચિરાગભાઈ પટેલે શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના માનદ મંત્રી જાગૃતભાઈ ભટ્ટ, ટ્રસ્ટી કિરણભાઈ પટેલ (કમ્ફી ગૃપ), ડોક્ટર્સ અને તેમની ટીમ અને આણંદ સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ નો નરેશ રાઉત ને નવજીવન આપવા બદલ આભાર માન્યો.

અન્ય સમાચારો પણ છે...