હત્યારો પતિ:આણંદના મધરોળ ગામમાં સાસુની નજર સામે જ પત્નીની હત્યા નિપજાવી, 18 વર્ષના લગ્નજીવનનો કરૂણ અંત

આણંદ5 મહિનો પહેલા
  • નશાખોર પતિના ત્રાસથી કંટાળી મૃતક 20 દિવસથી પિયરમાં રહેતા હતા
  • હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયેલા હત્યારા પતિની શોધખોળ હાથ ધરાઈ

આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના મધરોળ ગામમાં પિયરમાં રહેતી પરિણીતા પર તેના જ પતિએ ચપ્પા વડે હુમલો કરી હત્યા નિપજાવતા ચકચાર મચી છે. સાસુની નજર સામે જ બનેલી આ ઘટનાના પગલે આસપાસથી લોકો એકઠા થઈ ગયા હતા. જો કે, આરોપી નાસી છૂટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

હત્યારા પતિ ભરત રોહિતની ફાઈલ તસવીર
હત્યારા પતિ ભરત રોહિતની ફાઈલ તસવીર

સાસુની નજર સામે જ પત્નીની હત્યા નિપજાવી
મૃતક ભારતીબહેન અને આરોપી ભરત જેઠાભાઈ રોહિતના 18 વર્ષ પહેલા વર્ષ 2004માં પ્રેમલગ્ન થયા હતા. પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોય અવારનવાર ભારતીબહેન સાથે મારકુટ કરતો હતો. જેના ત્રાસથી કંટાળી 20 દિવસ પહેલા ભારતીબહેન તેના પિતાના ઘરે રહેવા આવી ગયા હતા. દસેક દિવસ પહેલા ભરત ઘરે આવ્યો હતો અને ભારતીબહેનને લઇ જવા માટે સમજાવી હતી. પરંતુ જવાની ના પાડી હતી. બાદમાં સોમવારના રોજ સવારે નવેક વાગ્યે ભરત ફરી આવ્યો હતો અને ભારતીને પોતાની સાથે લઇ જવાનું કહેતા ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ભરત અને ભારતી વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. હજુ કોઇ કંઇ સમજે તે પહેલા ભરતે ચપ્પુ કાઢી ભારતી પર ઉપરા છાપરી ઘા કરવાની શરૂ કરી દીધાં હતાં. ભારતીબહેનના ગળા, પેટ પર ઉંડા ઘા પડતાં લોહીના ફુવારા ઉડ્યાં હતાં અને ત્યાંજ લોહી લુહાણ હાલતમાં ફસડાઇ પડ્યાં હતાં. માતા - દીકરીની બુમાબુમથી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. પરંતુ તે પહેલા ભરત ભાગી ગયો હતો અને ભારતીબહેનનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું.

20 દિવસથી પરિણીતા તેના પિયરમાં રહેતા હતા
સોજિત્રાના મઘરોળ ગામે રહેતા કાશીબહેનની છ દીકરીમાં સૌથી નાના ભારતીબહેન (ઉ.વ.38)એ 2004ની સાલમાં ગામના જ ભરત જેઠાભાઈ રોહિત સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. બાદમાં તેઓ ગાના રહેવા જતાં રહ્યાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને એક દીકરી અને દીકરાનો જન્મ પણ થયો છે. જોકે, ભારતીબહેનના પિતાનું 2018માં અવસાન થયું હતું. જેની વારસાઇ કરાવવાની હોય કાશીબહેન અવાર નવાર પિયર બોલાવતાં હતાં. આ અવર જવર દરમિયાન ભારતી અવાર નવાર તેનો પતિ ભરત દારૂ પી મારઝુડ કરતો હોવાની ફરિયાદ કરતાં હતાં. પતિના ત્રાસથી કંટાળી ભારતીબહેન 20 દિવસ પહેલા પિયરમાં આવીને રહેતા હતા. જ્યાં આજે સવારે આવી ભરતે હત્યાને અંજામ આપ્યો હતો. પત્નીની હત્યા નિપજાવી આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...