આણંદના જોળ ગામે રહેતી પરિણીતા પર તેના પતિ તથા સસરા વારંવાર આડા સંબંધના વ્હેમમાં ત્રાસ આપતા હોવાથી કંટાળી આપઘાત કરી લીધો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો છે.
બોરસદના દાવોલ ગામની પરિણીતાના પ્રથમ લગ્ન સુદરા ગામે થયાં હતાં, પરંતુ ઘર સંસાર સારી રીતે ન ચાલતા છુટાછેડા લીધાં હતાં. તેનું બીજુ લગ્ન ફુલહારથી જોળ ગામે વિસેક વર્ષ પહેલા થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને એક દીકરી અને બે દીકરાનો જન્મ પણ થયો હતો.દરમિયાનમાં 10મી ડિસેમ્બર,22ના રોજ પરિણીતાએ ઘરના પાછળના ભાગે પપૈયાના ઝાડ પર તથા ઘર ઉપર મુકેલા વાંસ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ ઘટનાની જાણ થતાં પિયરિયા જોળ ગામે પહોંચ્યાં હતાં. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ તપાસમાં જાણવા મળ્યું હતું કે, બે માસ અગાઉ પરિણીતા રિસાઇને પિયર ગયાં હતાં. આ સમયે તેઓએ પિયરીયાને જણાવ્યું હતું કે, તુ લોકો સાથે આડા સંબંધ ધરાવે છે. તેમ કહી ઝઘડો કરી હેરાન કરતાં હતાં. જોકે, આ ફરિયાદ બાદ સમાધાન કરાવી તેમને ફરી જોળ ગામે મોકલી આપ્યાં હતાં. બાદમાં ફરી પિયર આવી ફરિયાદ કરી હતી કે, સસરા ભુવાનું કામ કરતાં હોવાથી દાણા જોઇને પતિને ચડવણી કરે છે. જેથી તેઓ ઘરમાં ઝઘડો વધી ગયો હતો. આમ છતાં ફરી સમાધાન કરી જોળમાં મોકલી આપ્યાં હતાં. આમ છતાં પતિ અને સસરા ત્રાસ આપતા પરિણીતાએ કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.