વિવાદ:મકાન ખાલી કરવાની ઘટનામાં ગુનો દાખલ કરવામાં વિદ્યાનગર પોલીસનો વિલંબ કેમ ?

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટનો હૂક્મ અને પંદર દિવસમાં પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનો હોવા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધતી નથી

વિદ્યાનગરના બાવીસ ગામ સ્કુલ પાસેનું મકાન કુટુંબના સભ્યોએ પોલીસ અને ગુંડાઓની મદદથી ગત માર્ચમાં બળજબરીપૂર્વક ખાલી કરાવ્યું હતું. આ મામલે કોર્ટે એક અઠવાડિયા અગાઉ કસુરવાર વિરૂદ્ધ ગુનો નોંધી દર પંદર દિવસે કોર્ટમાં પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ હજુ પણ આ મામલે વિદ્યાનગર પોલીસ ફરિયાદ નોંધવામાં કેમ વિલંબ દાખવી રહી છે તેને લઈને તર્ક વિતર્ક સર્જાયા છે. આ અંગે વાત કરતા ફરિયાદી વૃશ્રિકાબેન અને તેમના પતિ અભિષેક માનેના વકીલ રાકેશકુમાર એ. વ્યાસે જણાવ્યું હતું કે, ગત 26મી ઓક્ટોબરના રોજ કોર્ટ દ્વારા ફરિયાદ લેવા માટે આદેશ કરાયો હતો.

દરમિયાન, એક અઠવાડિયા સુધી અમારી કોઈ ફરિયાદ લેવાઈ નથી. વધુમાં મેં પોલીસ ઈન્સ્પેક્ટર એલ. બી. ડાભીનો સંપર્ક કર્યો હતો. તેમણે મને સવારે અને સાંજના સમયે બોલાવ્યો હતો અને મારી સાથે તથા જિલ્લા પોલીસ વડા સાથે ડિસ્કસ કરીને ફરિયાદ લેવા જણાવ્યું હતું. દરમિયાન, મંગળવારે સાડા બાર વાગ્યાની આસપાસ હું પોલીસ સ્ટેશને ગયો હતો. પરંતુ તેઓ મળ્યા નહોતા. એ પછી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જોકે, બીજી તરફ સમગ્ર મામલે છેલ્લાં બે દિવસથી પીઆઈ ડાભીનો મત જાણવા પ્રયાસ કરાઈ રહ્યો છે.

પરંતુ તેઓનો રૂબરૂ તથા ટેલિફોન પર પણ સંપર્ક થઈ શક્યો નથી.નોંધનીય છે કે, વિદ્યાનગરમાં સર્વે નંબર 460 ક્ષેત્રફળ ચોરસ મીટર 416.32 સત્તા પ્રકાર સી વાળી મિલકત અભિષેકના દાદા ગણપતરાવ સખારામ માનેના નામે ચાલી આવતી હતી. ગત માર્ચમાં તેમના કૌટુંબિક સંબંધીઓ સહિત પોલીસ અને ગુંડાઓએ મળી માલ-સામાન ઘર બહાર ફેંકી દઈ ધાક-ધમકી આપી હતી. વિદ્યાનગર પોલીસ અને પોલીસ વડાને રજૂઆત કરવા છતાં કોઈ ફરિયાદ ન લેવાતાં ફરિયાદી મહિલા અને તેના પતિએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

પો. કો.ની ધમકી, બહુ માથાકુટ કરશો તો ઠેકાણે પાડી દઈશ
ફરિયાદી વૃશ્રિકાબેન પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારે ઘટના સમયે તેમને આવીને ધમકી આપતા જણાવ્યું હતું કે, ઘરમાંથી ચુપચાપ બહાર નીકળી જાઓ. જો બહુ માથાકુટ કરશો તો તમોને ઠેકાણે પાડી દઈશું. અને ઘર ભોગવવા નહીં રહો એવું કરી દઈશું. નોંધનીય છે કે, વિજય પરમાર અને આરોપી દ્વારા જે તોડફોડ કરવામાં આવી તેના ફોટોગ્રાફ્સ પણ તેઓ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...