પાલિકાની ટીમ પર હુમલો:અમારી ગાયો કેમ પકડી જાવ છો ? તેમ કહી ત્રણ પશુપાલકે બોરિયાવી પાલિકામાં ઝપાઝપી કરી

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ પશુપાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી

આણંદ પાસેની બોરિયાવી નગરપાલિકામાં પશુ પકડવા નિકળેલી ટીમને ધમકી આપવા ઉપરાંત ત્રણ પશુપાલકોએ પાલિકા ઓફિસમાં પહોંચી કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ત્રણ પશુપાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોરિયાવી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નરેશભાઈ બચુભાઈ રથવીને હાઈકોર્ટના આદેશ મુજબ નગરમાં રખડતા પશુઓને પકડવા ચીફ ઓફિસરે જવાબદારી સોંપી હતી. આથી, તેઓ ફરજના ભાગરૂપે પોતાની ટીમ સાથે 3જી સપ્ટેમ્બરના રોજ બપોરના સુમારે ટ્રેક્ટર પાંજરા ટ્રોલી સાથે નિકળ્યા હતા. તે સમયે બોરિયાવી મોટા તળાવ પાસે એક ગાય, એક આખલો જોવા મળ્યો હતો. આથી, ટીમને બન્ને પશુઓને પકડી ટ્રેક્ટરના પાંજરામાં પુરી રહ્યાં હતાં. તે વખતે બોરિયાવીમાં રહેતા વિક્રમ રબારી, જય રબારી, રોનક રબારી ધસી આપ્યા હતા અને અપશબ્દ બોલી તમે બધા નવરા થઇ જશો. તેમ કહી ધમકી આપી હતી. જોકે, ટીમે મક્કમતા દાખવી પશુઓને પાંજરાપોળમાં મોકલી આપ્યાં હતાં. આથી, ઉશ્કેરાયેલા ત્રણેય જણા નગરપાલિકાની ઓફિસે પહોંચ્યાં હતાં. જ્યાં ફરી તેઓએ ટીમ સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી.

આ અંગે સેનેટરી ઇન્સ્પેક્ટર નરેશભાઈએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે વિક્રમ રબારી, જય રબારી અને રોનક રબારી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...