ચારેકોર ચરોતર:વાત બચતની હોય કે વતનની, સદાબહાર NRI; વાંચો વિદેશમાં વસનારા ચરોતરવાસીઓની દાસ્તાન

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાની બીજી લહેર દરમિયાન કેનેડામાં વસતા ચરોતરવાસીઓએ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની વડતાલધામને ભેટ આપી વતન પ્રત્યેનું ઋણ અદા કર્યુ હતુ. - Divya Bhaskar
કોરોનાની બીજી લહેર દરમિયાન કેનેડામાં વસતા ચરોતરવાસીઓએ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની વડતાલધામને ભેટ આપી વતન પ્રત્યેનું ઋણ અદા કર્યુ હતુ.

ચરોતરમાં એનઆરઆઇ સિઝન પૂરી થવાની તૈયારીમાં છે. ડિસેમ્બરની શરૂઆતથી ચરોતરવાસીઓ માદરે વતન આવવાનું શરૂ કરે છે, લગભગ દોઢ મહિનાના સમયગાળામાં લગભગ 10 હજારથી વધુ બિનનિવાસી ચરોતરવાસીઓ વેકેશન ગાળી જાન્યુઆરી મધ્યથી પોતાની કર્મભૂમિમાં પરત જવાનું શરૂ કરે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે સંખ્યામાં ઘટાડો જરૂર થયો છે છતાં તેમની વતનપરસ્તીમાં કોઇ ઓટ આવી નથી.

જ્યારે વતનના વિકાસની વાત આવે ત્યારે તેઓ નાણાં કોથળી છુટ્ટી મૂકી દે છે તેમાંય કોરોનાકાળમાં તેમણે મદદ માટે પાછું વળીને જોયું નથી. વેન્ટિલેટર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, હોસ્પિટલમાં સાધનોની સુવિધા, અન્નદાન સહિત તમામ બાબતે તેમણે છુટા હાથે દાન કર્યું છે. આવતીકાલે 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ છે ત્યારે ચરોતરના બિનનિવાસી ભારતીયોના યોગદાનનો કોઇ જોટો મળે તેમ નથી.

ધર્મજના એન. આર. આઇ વિશેષજ્ઞ રાજેશ પટેલનું કહેવું છે કે દુનિયામાં એકમાત્ર એન્ટાર્કટિકાને બાદ કરતા બાકીના ખંડમાં ગુજરાતી - ચરોતરવાસી વસેલો છે. આણંદ - ખેડા જિલ્લાના સેંકડો ગામોમાંથી લોકો વિદેશ જઇને વસેલા છે. આણંદ, નડિયાદ, ધર્મજ, થામણા, ઉત્તરસંડા, ભાદરણ, પીજ, પીપલગ સહિત આવા નગરોની યાદી ખૂબ મોટી છે. જે પૈકી 4 નગરનો ગ્રાઉન્ડ રિપોર્ટ અહીં પ્રસ્તુત છે.

ઉત્તર હોય કે દક્ષિણ, દશે દિશામાં - ઉત્તરસંડાના NRI અગ્રેસર
નડિયાદ તાલુકાનું ઉત્તરસંડા ગામ આમ તો મઠિયા, પાપડના ગૃહઉદ્યોગ માટે જાણીતું છે. પરંતુ વિશ્વમાં ઉત્તરસંડાના મઠીયા, પાપડને નામના અપાવવા પાછળ અહીના એન.આર.આઈ નો વિશેષ ફાળો છે. હાલ 15 હજારની વસતી ધરાવતા ઉત્તરસંડા ગામમાંથી 10 હજાર લોકો વિદેશમાં વસે છે. જેમના દ્વારા થતી આર્થિક મદદ અને સહયોગને કારણે આજે ગામ સુવિધા સજ્જ બન્યું છે. ગામના અગ્રણી અને પૂર્વ સરપંચ કૌશિક પટેલે અમેરિકાથી દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ગામના 10 હજારથી વધુ લોકો વિદેશમાં રહે છે. જેમાંથી 4,500 લોકો તો છેલ્લા 10 વર્ષમાં જ વિદેશમાં સ્થાયી થયા છે.

ભલે વર્ષે કે પાંચ વર્ષે એકવાર વતનમાં આવતા હશે, પરંતુ જ્યારે વાત આવે ગામને મદદની ત્યારે અગ્રેસર રહેવા માટે પણ હોડ લાગતી હોય છે. ગામમાં સી.સી. રોડ, સી.સી.ટી.વી, નિયમિત પાણી, ગટર, બ્લોકની સુવિધા છે. વળી એન.આર.આઈ દ્વારા શરૂ કરાયેલા નાના ઉદ્યોગોને કારણે સ્થાનિકો ને રોજગારી પણ મળી રહે છે. અહીની વિવિધ બેન્કોમાં ગામના એન.આર.આઈની ઓછામાં ઓછી 500 કરોડથી વધુની ડિપોઝીટો હશે તેમ તેઓએ જણાવ્યું હતું.

પીજના એનઆરઆઈની વતન પ્રિત - વિકાસમાં અનોખુ યોગદાન
ચરોતરના એન.આર.આઇ ગામની વાત આવે એટલે નડિયાદ તાલુકાનું પીજ બાકાત ના હોય. શિક્ષણમાં શ્રેષ્ઠ અને વિદેશમાં વતનનું નામ રોશન કરનાર પીજના વતનીઓએ આજે વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. ગામના અગ્રણી અને કેળવણી મંડળના પ્રમુખ રાજુભાઈ પટેલનું કહેવું છે કે વિદેશમાં વસતા કુટુંબ તો એટલા છે કે જો તે બધા એક સાથે આવી જાય તો ગામ ટૂંકું પડે. લંડનમાં 150, યુએસએમાં 200, કેનેડામાં 100, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં જ 150થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે.

ગામમાં એન.આર.આઈ દાતાઓના યોગદાનથી કેળવણી મંડળ, લાયબ્રેરી, શાળા, મંદિરના જિર્ણોધ્ધાર થયા છે. ગામમાં જ્યારે પણ આર્થિક મદદની જરૂર હોય ત્યારે એન.આર.આઈ દાતાઓ દ્વારા ખુલ્લા મનથી દાન આપવામાં આવ્યું છે. ગામમાં આવેલી બેંકો અને પોસ્ટ ઓફિસમાં એન.આર.આઈની 150 થી 200 કરોડ કરતા વધુ ડિપોઝિટ હશે. ગામમાં સુવિધાની દ્રષ્ટીએ જોવા જઈએ તો સીસી રોડ, પ્રવેશદ્વાર, ગામના કેટલાક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા, કેળવણી મંડળ સંચાલિત શાળા, દીકરીઓ માટે મહિલા ઉત્કર્ષ કેન્દ્ર, 4 ભાગોળમાં 4 પાણીની ટાંકી છે.

ભડભાદર : વિશ્વમાં ભાદરણનો ડંકો - ગામમાં પોતાનું પાવરહાઉસ
બોરસદ તાલુકાના ભાદરણમાં એવું કહી શકાય કે સરેરાશ લગભગ દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં વસવાટ કરે છે. 9 દાયકા પહેલા ભાદરણવાસીઓ આફ્રિકા અને ઇગ્લેન્ડમાં સ્થાયી થયા. પછી ગામના 1200થી વધુ લોકો અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, કેનેડા સહિતના રાષ્ટ્રોમાં સ્થાયી થયા છે. તેમના અનોખા વતન પ્રેમને પગલે ભાદરણને ક્લિન એન્ડ નીટ બનાવવાની ચરોતરવાસીઓએ નેમ લીધી. વિદેશમાં ભાદરણ બંધુ સમાજ, યુ .કે અને ભાદરણ સમાજ ઓફ નોર્થ અમેરિકા નામના બે ટ્રસ્ટ ચાલે છે.

જે ગામના વિકાસ માટે વિદેશમાંથી દાન એક્ત્ર કરીને ગામના વિકાસમાં વાપરે છે. ગામની 3 બેંકો, પોસ્ટ અને સહકારી બેંકમાં 250 કરોડ ઉપરાંત ભંડોળ વર્ષોથી જમા છે. ગામમાં 1938થી ભુગર્ભ ગટર યોજના ઉપરાંત અગાઉ વીજળીની વ્યવસ્થા ન હતી ત્યારે ગામમાં પોતાનું પાવરહાઉસ હતું. ગામમાં એક સહકારી હોસ્પિટલ તથા બે ટ્રસ્ટ સંચાલિત આધુનિક સારવાર પુરી પાડતી બે હોસ્પિટલો આવેલી છે. ભાદરણમાં જીમ, મહિલાઓ, પુરુષો અને યુવાનો માટે અલગ લાયબ્રેરી, સારી ગુણવત્તાયુક્ત શાળાઓની સુવિધા દાયકાઓથી છે.

ધર્મજ : 4 હજાર ધર્મજિયનો વિદેશમાં - બેંક ડિપોઝીટમાં સૌથી મોખરે
​​​​​​​
લગભગ સવા સૈકા પહેલા 1895માં પ્રથમ ધર્મજિયન દરિયો પાર કરીને આફ્રિકા પહોંચ્યા હતા. ત્યાંથી લંડન, અમેરિકા, કેનેડા, ન્યૂઝિલેન્ડ સહિતના વિક્સિત રાષ્ટ્રોમાં તેમના નામનો ડંકો છે. ધર્મજ ગામની વસતી અંદાજે 11 હજારની છે તેમાંથી 7 હજાર જેટલા પાટીદાર છે. હાલમાં 4 હજારથી વધુ ધર્મજિયન જુદા જુદા દેશોમાં સ્થાયી થયા છે. જેમાંથી મુખ્યત્વે બ્રિટનમાં 1800, કેનેડામાં 300, અમેરિકામાં 1100 સહિત અન્યો દેશોમાં નગરના લોકો વસેલા છે. તેઓ ધર્મજને પેરિસ જેવું સુવિધાસભર બનાવવા માટે અને સમાજ સેવા માટે ઉદાર હાથે દાન આપે છે.

ફળસ્વરૂપ આજે ગામમાં સારામાં સારી હોસ્પિટલો, શાળાઓ, આરસીસી રોડ સહિતની તમામ પ્રકારની સુવિધાઓ છે. શિક્ષણ ક્ષેત્રે તેની હરિફાઇ મોટા શહેરો સાથે થાય છે. અહીંયા બાયોટેકનોલોજી કેન્દ્ર, ફાર્મસી, બી.એડ, બીબીએ અને એમબીએની કોલેજો આવેલી છે. એક બેંક કર્મીના જણાવ્યા મુજબ અહીંયા મોટાભાગની નેશનલાઇઝ બેન્કોની શાખા છે. ગામમાં લોન લેનારાઓ કરતાં ડિપોઝિટ મૂકનારાઓની સંખ્યા વધુ છે. ધર્મજમાં કુલ બેંક ડિપોઝિટ અંદાજે 1300 કરોડ રૂપિયાની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...