તપાસ:વ્હેલ માછલીની ઉલટી કે લોબાન તેની તપાસ અર્થે હવે 736 ગ્રામ પદાર્થ FSLમાં મોકલાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી વકીલના મતે વ્હેલ માછલીની ઉલટી જ્યારે આરોપીના વકીલનો લોબાન હોવાનો દાવો
  • તમામ આરોપીનો જામીન પર છૂટકારો : લોબાનની કિંમત એક કિલોના માત્ર રૂ. 500થી 1000 થાય છે

આણંદ શહેરના 80 ફુટ રોડ સ્થિત પ્રાપ્તિ સર્કલ પાસેથી એસઓજીએ આણંદના બે અને વડોદરાના ચાર મળી કુલ છ શખસોને શંકાસ્પદ પદાર્થ સાથે ઝડપી પાડ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, તેમની પાસેથી મળી આવેલો પદાર્થ વ્હેલ માછલીની ઉલટી (અંબરગ્રીસ) હતો. જે અત્તર,પરફયુમ અને દવાઓમાં તેનો ઉપયોગ થતો હોય છે. તે પ્રતિબંધિત હોય તેની એક કિલોગ્રામની કિંમત એક કરોડ રૂપિયા હોય છે. ટોળકી પાસે પથ્થર આકારની આવી જામી ગયેલી ઉલટીના બે ટુકડા હોઈ પોલીસે કબ્જે લઈ ફોરેસ્ટ ટીમને તે સોંપ્યા હતા.

આ અંગે વાત કરતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી ભરતભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં આ પ્રથમ બનાવ છે જેમાં આ પ્રકારનો પદાર્થ મળ્યો હોય. હાલમાં અમારા દ્વારા આ પદાર્થને એફએસએલમાં મોકલવામાં આવશે. શુક્રવારે આણંદ પોલીસે ઝડપી પાડેલા ગીરીશ ચંદુ ગાંધી, વિક્રમ ધીરેન્દ્ર પાટડીયા, મીત જયેશ ગાંધી, મીત નીલકમલ વ્યાસ (રહે. તમામ વડોદરા), ધ્રુવિલ ઉર્ફે કાળીયો રમેશ પટેલ(રહે. બોરીયાવી) અને જહુરભાઈ અબ્દે રહેમાન મંસુરી (રહે.ખંભાત)ને કોર્ટમાં રજૂ કર્યા બાદ એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

દરમિયાન, શનિવારે પુન: રજૂ કરતાં તમામનો જામીન પર છૂટકારો થયો હતો. જોકે, સરકારી વકીલ દ્વારા પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલટી હોવાની શક્યતાઓ દર્શાવાઈ હતી. જ્યારે આરોપી પક્ષે ગુગળ કે પછી અન્ય કોઈ વૃક્ષમાંથી મળતો લોબાન નામનો પદાર્થ બતાવ્યો હતો. લોબાન પણ આ જ પ્રકારનો આવતો હોય છે. જોકે, હાલમાં સમગ્ર બાબત એફએસએલના રિપોર્ટ પર આધારિત છે. કેમ કે તેના રિપોર્ટ બાદ જ ખરેખર જાણવા મળી શકે કે પદાર્થ ખરેખર લોબાન છે કે પછી વહેલની ઉલટી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોબાનની કિંમત એક કિલોના માત્ર રૂ. 500થી 1000 થાય છે.

લોબાન પદાર્થ પણ અંબરગ્રીસ જેવો જ દેખાય છે
લોબાન એ એક કુદરતી પદાર્થ છે. તેનો ઉપયોગ ગ્રામિણ વિસ્તારોમાં બાળકોની નજર ઉતારવા માટે થતો હોય છે. તેનાથી તમામ પ્રકારની ગંભીર બીમારીઓને દૂર કરી શકાય છે. લોબાન બોસવેલિયા વૃક્ષની રાળમાંથી બને છે. આ વૃક્ષ સામાન્ય રીતે ભારત, આફ્રિકા અને મધ્ય પૂર્વના સૂકા પહાડી વિસ્તારમાં ઉગે છે. તે ઘણું જ સુંગધીદાર હોય છે અને તેનો ઉપયોગ અગરબત્તી અને અત્તર બનાવવા માટે કરવામાં આવે છે.
અંબરગ્રીસના નામે ડૂપ્લીકેટ માલ પધરાવાતો હોય છે
વહેલ માછલીની ઉલટી એટલે કે અંબરગ્રીસની વિદેશમાં ખૂબ જ માંગ હોય અને તેની કરોડોમાં કિંમત થતી હોય તેનો ખૂબ મોટો વેપલો ગેરકાયદે થતો હોય છે. ગુજરાતનો સૌથી લાંબો 1600 કિ.મી.નો દરિયાકિનારો હોય ગુજરાતમાં અનેક લોકો કિનારે તેની શોધખોળમાં ફરતા હોય છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, મજાની વાત તો એ છે કે કરોડોમાં કિંમત થતી હોય, ગઠિયાઓએ કેમિકલમાંથી કે પછી લોબાન જેવા પદાર્થને અંબરગ્રીસનું નામ આપીને કરોડો રૂપિયા પડાવી લેતા હોય છે. પ્રતિબંધિત પદાર્થ હોય છેતરાયેલા શખસો ફરિયાદ પણ કરતાં નથી.

અન્ય સમાચારો પણ છે...