સ્નેહ મિલન કાર્યક્રમ:આપણે T-20 નહીં સ્ટેડી રમવાવાળા : CM

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપની સરકાર હતી, છે અને રહેવાની છે એટલે રમવામાં આપણને ઉતાવળ નથી : ભાજપનું મિશન 182 સર કરવાનું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ટી-ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ પ્રકરણનો વધુ એકવાર ઉલ્લેખ કર્યો હતો. આણંદ જિલ્લામાં બાંધણી ખાતે ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, આપણે ટી-ટ્વેન્ટી ટ્વેન્ટી રમવાવાળા નથી, સ્ટેડી રમવાવાળા છીએ. કારણ કે પહેલા પણ ભાજપનું શાસન હતું, આજે છે અને હવે પછીનું શાસન પણ ભાજપનું જ રહેવાનું છે એટલે આપણને ઉતાવળ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પ્રવચનમાં ટી-ટ્વેન્ટી ટ્વેન્ટીનો ઉલ્લેખ કરતાં કહેતા કે હું અડધી પીચે રમવાવાળો છું, હું ટ્વેન્ટી ટ્વેન્ટી રમવામાં માનું છું.

કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાં બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢે છ તેમ આપણે પણ ગમે તેવી પરિસ્થિતીમાં રસ્તો શોધીને આગળ વધવાનું છે. આપણે સૌ સાથે મળીને આગામી વિધાનસભામાં 182 બેઠકો મેળવવા માટે કામે લાગી જવાનું છે. નરેન્દ્રભાઇએ જે રીતે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે તેવી રીતે આપણે પણ આત્મનિર્ભર ગુજરાતનો સંકલ્પ કરીને સૌએ કામે લાગી જવાનું છે. ભાજપના શાસનમાં નગરપાલિકા દ્વારા વિકાસના કામો હાથ ધરાયા છે.

આણંદ નગરપાલિકાએ 400 કરોડના વિકાસના કામો કર્યા છે. કોઇના સુખમાં આપણે ન ઉભા રહી તો ચાલશે પણ દુઃખમાં ઉભા રહી તો વ્યકિત જીવનભર યાદ કરે છે. કોરોના કાળમાં ભાજપના કાર્યકરોએ ખડેપગે ઉભા રહીને સેવા કરીછે. તેના ફળ આપણને નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં મળ્યા છે. ઓફિસમાં બેઠા બેઠા કામ થતા નથી. તમે કહો તે પ્રમાણે કામ કરવા અમે તૈયાર છે. જો આપણે કોઇ કામ કર્યા ના હોત તો 30 વર્ષથી રાજ કરતા ના હોત. ભાજપ કુંટુબની ભાવનાથી કામ કરે છે. સૌને સાથે રાખીને ભાજપનો કાર્યકરો કામ કરે છે.

હું પણ તમારા જેમ કાર્યકર્તા હતો . આજે હું અહીં બેઠો છું તેમ તમે કામ કરશો તમારો પણ મારી જેમ નંબર કયારે લાગી જાય તે કહેવાય નહીં .જેથી સૌ સાથે મળી અત્યારથી કામે લાગી જવાનું છે. કાર્યકર્તાને એકબીજા પ્રત્યે જે ભાવના હોય તે પણ આપણે પક્ષ માટે કામ કરવાનું છે. આવનાર વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો મેળવવાની છે તેમ કહીને સૌ કાર્યકર્તાઓને નવાવર્ષની શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે આણંદ જિલ્લા પ્રભારી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ મિતેષ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, રમણભાઇ સોલંકી, પૂર્વ સાંસદ દિપક પટેલ, દિલીપ પટેલ અને પૂર્વ મંત્રી સી. ડી. પટેલ સહિત જિલ્લાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સેવકોનું સન્માન કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કોરોનાના સમય દરમિયાન આણંદ જિલ્લાના લોકો માટે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સંસદસભ્ય મિતેશભાઇ પટેલનું તેમજ બિનવારસી લાશના અંતિમ સંસ્કાર કરવા બદલ અલ્પાબેનનું તેમજ પેટલાદના ધર્મેન્દ્રભાઈ પટેલનું આણંદ જિલ્લાની જનતાની સેવા કરવા બદલ મુખ્યમંત્રીએ શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું, આ ઉપરાંત વિદ્યાનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલની ૩૫ વર્ષની ભારતીય જનતા પાર્ટીને લાંબી સેવાને મુખ્યમંત્રીએ શાલ ઓઢાડીને બિરદાવી હતી.

પ્રેજ પ્રમુખોનીકામગીરીને પણ બિરદાવવામાં આવી
આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરી પેજ પ્રમુખોની કામગીરીને કારણે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વિધાનસભામાં ઉજળો દેખાવ કરી રહી છે તેમ જણાવી નૂતન વર્ષમાં સૌ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી તેમજ આવનાર દિવસોમાં પણ સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...