રસી મુકાવવાનો ઈન્કાર:અમને માતાજીમાં વિશ્વાસ છે માતાજીએ ના પાડી હોવાથી વેક્સિન નહીં મુકાવીએ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંધશ્રદ્ધા| ભાદરણમાં માતાજીનું કારણ આ​​​​​​​પી 150 લોકોનો રસી મુકાવવાનો ઈન્કાર

આણંદ જિલ્લામાં 351 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થાય તે માટે વહીવટી તંત્ર ગ્રામસભાઓમાં પણ વેક્સિનેશન પર ભાર મૂકી રહ્યું છે પરંતુ આણંદ જેવા વિક્સિત જિલ્લામાં પણ કેટલાક લોકો અંધશ્રધ્ધાને કારણે રસી લેવાનું ટાળી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં ભાદરણમાં વેક્સિન આપવા માટે ગયેલી ટીમ સમક્ષ એક સમાજના લોકોએ સ્પષ્ટ ના પાડી દેતા કહ્યું હતું કે, અમને અમારી માતાજી પર ભરોસો છે અને તેણે અમને ના પાડી છે. અનેક પ્રયાસો છતાં તેઓ રસી મૂકાવવા તૈયાર ના થતા છેવટે ટીમે પાછા ફરવું પડ્યું હતું.

આણંદ જિલ્લામાં 351 ગામડાઓમાંથી 138 ગામોમાં 100 ટકા રસીકરણ થયું છે. બાકી રહેલા ગામોમાં અસરકારક કામગીરી હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે ભાદરણ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરાયું હતું. આ માટે પંચાયતના તલાટી ભાદરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સહિતની ટીમને લઇ પ્રતાપપુરા, શૈલેષનગર સહિતના વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં એક સમાજના 150 લોકોને રસી લેવા માટે સમજાવ્યા હતા પરંતુ અંધશ્રધ્ધામાં રાચતા આ લોકોએ ટીમને કહ્યું હતું કે, અમારા માતાજીએ અમને ના પાડી છે અને અમને તેની પર ભરોસો છે.

સમાજના લોકોએ એવી પણ દલીલ કરી હતી કે અમને લેખિતમાં આપો કે રસી મૂકાવ્યા પછી અમને કશું નહીં થાય અને જો કંઇ થયું તો જવાબદારી તમારી રહેશે. ગામના તલાટી મહિપતસિંહ સહિતનાઓના પ્રયાસ છતાં સમાજના લોકો માનવા તૈયાર ના થતા છેવટે ટીમે પાછા ફરવું પડ્યું હતું અને આ અંગે મેડિકિલ ઓફિસર ડો. વશિષ્ટ દ્વારા વિભાગને રિપોર્ટ કરાયો હતો.

ઉલ્લેખનીય છે આણંદ જીલ્લામાં વેકસીન રસી મુકાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ આવે તેવા હેતુથી તંત્ર દ્વારા ગ્રામસભાઓ હાલમાં યોજવામાં આવી રહી છે.ડોર ટુ ડોર સર્વે કરીને વેકસીન રસી ફરજીયાત મુકાવી દેવા અપીલ પણ કરવામાં આવતી હોય છે. આણંદ જિલ્લાના 351 ગામડાઅોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી સહિત તલાટીઅોને પણ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...