ખંભાત, તારાપુર અને સૌરાષ્ટ્ર પંથકના 120 વધુ ગામોને પીવાના પાણી પુરૂ પાડતાં કનેવાલ અને પરિએજ તળાવમાં છેલ્લા 10 દિવસથી પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે બંને તળાવમાં પાણીનું લેવલ સતત ઘટી રહ્યું છે. જયારે વણાકબોરી ડેમમાં કડાણામાંથી મળતું પાણી અડધુ કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં હાલમાં વણાકબોરી ડેમની સપાટી 218.50 છે.
કનેવાલ અને પરિએજ પાણી પુરવઠા આધારીત 120 વધુ ગામોને પીવાના પાણીનુ સંક્ટ ઉભું ન થાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા આગામી 25મી મેના રોજ બંને તળાવમાં મહી કેનાલ થકી પાણી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કોઇ પણ ગામમાં પીવાના પાણીની તંગી ના સર્જાય તે માટે તેઓે એ પાણી પુરવઠા વિભાગને સતત નજર રાખવા જણાવ્યું છે.
કનેવાલ તળાવ આધારિત ખંભાત અને તારાપુરના 55 ગામોમાં પીવાનુ પાણી પુરતા પ્રમાણ મળતું નથી. હાલમાં બંને તળાવનુ લેવલ સતત ઘટી રહ્યું છે. આગામી 10 દિવસ બાદ પીવાના પાણીની વિકટ સમસ્યા ભાલ પંથકમાં સર્જાય તેવી સંભાવના વર્તાઇ રહી છે.
આણંદ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ બુધવારે યોાજાયેલી એક બેઠકમાં જણાવ્યું હતું કે કનેવાલ તળાવ સાથે સંકળાયેલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગામી 25 મી મેથી કેનાલના પાણી થકી બંને તળાવમાં પાણી ભરવામાં આવશે. સાથે સાથે તેઓ અન્ય ગામોમાં પીવાના પાણીની બુમ ના ઉઠે તે માટે પાણી પુરવઠા વિભાગ સહિત પંચાયત વિભાગને સતત નજર રાખવા જણાવ્યું છે.
માત્ર 40 ટકા જ જથ્થો હોવાથી સમસ્યા વિકટ
આણંદ જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા ખંભાત અને તારાપુર પંથકમાં કનેવાલ અને વલ્લી પાણી પુરવઠા જૂથ યોજના હેઠળ 42થી વધુ ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ ઉપરાંત પરિએજ અને કનેવાલમાં સૌરાષ્ટ્રના 55થી વધુ ગામોને પાણી પુરૂ પાડવામાં આવે છે.
ત્યારે હાલ બંને તળાવોમાં40 ટકા જથ્થો હોવાથી પીવાના પાણીની બુમો ઉઠવા પામી છે જે આગામી 10 દિવસ સુધી ચાલે તેમ છે. ત્યારે આગામી 25મી મેથી બંને તળાવ કેનાલના પાણીથી ભરવાનો નિર્ણય લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.