શિયાળાની સિઝનમાં ખેતીપાકને અનુકૂળ ઠંડીએ ચમકારો બતાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ રવિ પાકનું 31 હજાર ઉપરાંત હેક્ટરમાં વાવતેર કર્યુ છે. ત્યારે ઘઉં પાકની વાવણી સમયે પાણીની જરૂરીયાત રહે છે. જો કે વાવેતર સમયે સિંચાઇ વિભાગ દ્વારા નહેરોમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના લીધે ખેડૂતોને બોરકૂવાનું મોંઘુ દાટ પાણી લઇને વાવતેર કરવાનો વખત આવ્યો હતો.
આ અંગે આણંદ જિલ્લા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.પી.ગંભીરે જણાવ્યું હતું કે, ઠંડીમાં ખેતી પાકનું ઠેર ઠેર ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું છે. ખેતીપાક માટે પાણીની જરૂરીયાત રહેતી હોવાથી નહેરોમાં પાણી છોડવા માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી. જેઓની રજૂઆતના પગલે મંગળવારે ખેડા જિલ્લામાંથી પસાર થતી ખાખણપૂરા સેજા કેનાલમાંથી 700 ક્યુસેક પાણી કેનાલોમાં છોડવામાં આવ્યું છે. ખંભાત, તારાપુર સહિત આણંદ જિલ્લાના અન્ય વિસ્તારોમાં છેવાડા ખેતરો સુધી પાણી પહોંચી શકે તેટલા પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવી હોવાથી ખેડૂતોમાં આનંદ છવાઇ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.