વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની "વસુધૈવ કુટુમ્બકમ" ની વિભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે G-20 સમિટ-2023નું યજમાન ભારત છે. તેમાંય ગુજરાતના આંગણે G-20 સમિટની મહત્ત્વની 16 ઇવેન્ટ આ વર્ષે થઈ રહી છે. ત્યારે સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ વિસ્તારમાં વસવાટ કરતા નગરજનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્યક્રમોમાં સામેલ થાય તથા વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. G-20ના સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી સુંદર તથા સુચારૂ રીતે થાય તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજનની માર્ગદર્શિકા આપવામાં આવી છે. જે મુજબ વર્ષના દરેક મહિનામાં જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન થવાનું છે.
સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓ, નાગરિકોને સન્માનિત કરાશે
આ અંગે વધુ વિગતો વડોદરાના ચીફ ઓફિસર અશ્વિન પાઠકે જણાવ્યું હતું કે, હાલ G-20 સમિટ-2023નું યજમાન ભારત છે ત્યારે આ અંગેની માહિતી લોકો સુધી પહોંચે તથા સમગ્ર વર્ષ દરમિયાન દેશમાં અને રાજયમાં યોજાનાર આ વિવિધ કાર્યક્રમો અંગે લોકોને જાણકારી મળે તે માટે વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર તથા પંચમહાલ એમ 6 જિલ્લાની મળી કુલ 26 નગરપાલિકાઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. વિશેષમાં આગામી સમય દરમિયાન જુદા-જુદા માસમાં ભીંત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા વગેરે કાર્યક્રમોનું પણ આયોજન થનાર છે. આ કાર્યક્રમોમાં વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવનાર છે. આયોજન કરવામાં આવનાર જુદી-જુદી સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ, નાગરિકોને નગરપાલિકાઓ દ્વારા વિવિધ પુરસ્કાર આપીને જાહેર સમારંભમાં સન્માનિત કરવામાં આવશે.
પર્યટન સ્થળ, બાગ-બગીચા તથા સિવિક સેન્ટરો પર 3D સેલ્ફી પોઇન્ટ્સ
મહત્ત્વનું છે કે આ કાર્યક્રમોના આયોજનના ભાગરૂપે વડોદરા ઝોનની 26 નગરપાલિકાઓમાં તા.16 માર્ચના રોજ સવારે 9.00 કલાકે નગરપાલિકા વિસ્તારમાં G-20 સમિટ 2023ની વિષય વસ્તુ સાથે, G-20નું બ્રાન્ડીંગ, બ્રોસર સાથે વોર્ડ મીટીંગ યોજવામાં આવશે. આ વોર્ડ મીટીંગમાં નગરપાલિકા વિસ્તારના પદાધિકારીઓ, પ્રમુખ, પૂર્વ પ્રમુખ તેમજ અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા નાગરિકો ભાગ લેનાર છે. આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તથા ખાનગી સંસ્થાઓ વગેરે પણ આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. સદર વોર્ડ મીટીંગમાં વિવિધ સક્ષમ વક્તાઓ દ્વારા G-20 વિષય પર વક્તવ્ય આપવામાં આવશે. આ ઉપરાંત વડોદરા ઝોનની 26 નગરપાલિકાઓના વિવિધ જાણીતા પર્યટન સ્થળ, બાગ-બગીચા તથા નગરપાલિકાના સિવિક સેન્ટરો ઉપર 3D સેલ્ફી પોઇન્ટ્સનું આયોજન કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.