વિધાનસભા સંગ્રામ 2022:યુદ્ધ નવું, યોદ્ધા જૂના - 2 વર્તમાન ધારાસભ્ય અને ગત ચૂંટણીના 3 ઉમેદવારને જ ભાજપે ટિકિટ ફાળવી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અાંણદ જિલ્લાની 5 વિધાનસભા બેઠકના ઉમેદવાર ભાજપે જાહેર કર્યા, પેટલાદ બેઠકનું કોકડું ગુંચવાયુ
  • ભાજપે પ્રયોગ કરવાનું ટાળ્યું ઃ દાવેદારો વધી જતાં જૂના જોગીઓના નામ પર મહોર
  • પેટલાદની બેઠકના ઉમેદવારની પસંદગીનો પેચ અટવાઈ પડ્યો છે, પ્રવર્તમાન સ્થિતિ વચ્ચે આયાતી ઉમેદવારના સમીકરણની શક્યતા દેખાઈ રહી છે

આણંદ જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. અહીં 2002 સિવાય ક્યારેય ભાજપે કાઠું કાઢ્યું નથી. જિલ્લામાં 7માંથી 5 બેઠકો પર તો કોંગ્રેસ જીત મેળવે છે. આણંદ જિલ્લામાં ભાજપને મળતી બે બેઠકો છેલ્લી બે ટર્મથી માત્ર 1500થી 2500 મતની સરસાઇથી જીતી છે. હાલના સંજોગોને ધ્યાનમાં લઇ ભાજપે રિસ્ક લેવાનું ટાળ્યું છે. ઉમરેઠ અને ખંભાતની બેઠક જીતેલા ધારાસભ્યને રિપીટ કર્યા છે. સાથે સાથે વર્ષોથી ભાજપ સાથે રહીને સંગઠનને મજબૂત કરવાનું મહત્વનું યોગદાન આપનાર નેતાઓને તક આપી છે. બોરસદ બેઠક પર ચાર વખતથી ચૂંટણી લડતા રમણ સોલંકી, સોજિત્રા વિધાનસભામાં બે વખત હારેલા વિપુલ પટેલ અને આણંદ બેઠક પર હારેલા યોગેશ પટેલને ટિકિટ આપીને ભાજપે જોખમ લેવાનું ટાળ્યું છે.

કોંગ્રેસનો ગઢ અને આપની એન્ટ્રી વચ્ચે સેઈફ ગેમનું ગણિત
આ વખતે ભાજપને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ આણંદની 7 બેઠકો પર પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે આવા સંજોગોમાં ભાજપે કોઈ પણ જોખમ લેવાનું ટાળ્યું છે. પોતાના તમામ નવા નિયમો બાજુ પર મુકીને જૂના જોગી પર મદાર રાખી ટિકિટ ફાળવવામાં આવી છે. છેલ્લી બે ચૂંંટણીમાં 5 બેઠક કોંગ્રેસ જીતતી આવી છે. ભાજપને માંડ બે બેઠકથી સંતોષ માનવો પડે છે. આ ચૂંટણીમાં દાવેદારો પણ વધુ હોવાથી અસંતોષ ઉભો થાય તેવી સ્થિતિથી બચવા હારેલા અને જીતેલા માટે રિપીટ થિયરીનો સહારો લેવામાં આવ્યો છે.

આણંદ - કમલમ ફળ્યુ, 2017ની ચૂંટણીની 5 હજારની સરસાઇ સર કરવા વધુ અેક મોકો અાપ્યો
યોગેશ પટેલ 12 પાસ, વેપાર - ખેતી
2017નું પરિણામ ભાજપના યોગેશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર સામે 5286 મતથી હારી ગયા હતા

પસંદગીનું કારણ શું - 2017ની વિધાનસભાની ચૂંટણી અગાઉ યોગેશ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં હતા. તેઓને ટિકિટ આપવામાં આવી હતી. યોગેશ પટેલ ભાજપમાં જોડાયા બાદ સંગઠનને શહેરમાં વધુ મજબુત બનાવ્યું છે. યુવાનો સહિત કાર્યકરો ની સાથે સંપર્કમાં રહ્યાં હતા. તેમજ જીટોડિયા રોડ પર કમલમ કાર્યાલય બનાવવા માટે કરોડો રૂપિયાની જમીન તેમને દાન આપી હતી. તેમજ કાર્યાલયના નિર્માણ માટે ભારે પરિશ્રમ કર્યો હતો. સાથે આણંદ તાલુકાના ગામોના લોકસંપર્ક ચાલુ રાખ્યો હતો.

આંકલાવ - અત્યાર સુધી બેઠક જાળવી રાખનાર કોંગ્રેસની રણનીતી અપનાવી ક્ષત્રિયની પસંદગી
ગુલાબસિંહ પઢિયાર બીએ, ખેતી
2017નું પરિણામ ભાજપના હંસાકુવરબા રાજ કોંગ્રેસના ઉમેદવાર સામે 33629 મતથી હારી ગયા હતા

પસંદગીનું કારણ શું - આંકલાવ વિધાનસભા 2012માં અલગ પડી હતી. તે અગાઉ બોરસદમાં સામેલ હતી. આંકવાલમાં ક્ષત્રિય અને અોબીસી જ્ઞાતિનું વર્ચસ્વ છે. કોંગ્રેસનો ગઢ ગણાય છે. 2012 અને 2017માં કોંગ્રેસે 30 હજારથી વધુ મતે બેઠક જીતી છે. ત્યારે વર્ષોથી ભાજપ સાથે રહીને અગાઉ સંગઠનમાં મહામંત્રી પદે રહી ચુકેલા ગુલાબસિંહ પઢિયાર ક્ષત્રિય સમાજ અને બક્ષી પંચ સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. તેમના પત્ની ઇલા બેને કહાનવાહી બેઠક જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાયા છે.

બોરસદ - સતત 3 ચૂંટણી હાર્યા પરંતુ લીડ કાપી રહ્યાં હોવાથી શિક્ષિત ઉમેદવારને ચોથીવાર ટિકિટ ફાળવી
રમણભાઇ સોલંકી કૃષિ ડિપ્લોમા , શિક્ષક
2017નું પરિણામ ભાજપના રમણભાઈ સોલંકી કોંગ્રેસના ઉમેદવાર સામે 11468 મતથી હાર્યા હતા.

પસંદગીનું કારણ શું - બોરસદ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ છે. આ બેઠક પર રાજેન્દ્રસિંહ પરમાર સરેરાશ 35 હજાર મતથી જીતે છે. છેલ્લી ચાર ટર્મથી ભાજપના પાયાના કાર્યકર અને પ્રદેશ કક્ષાએ મંત્રી અને જિલ્લામાં મહામંત્રી તરીકે રહેલા રમણ સોલંકી ચૂંટણી લડી રહ્યાં છે. દર ટર્મમાં તેઓ કોંગ્રેસના મત કાપીને લીડ ઓછી કરી રહ્યાં હતા. સૌને સાથે રાખીને ચાલતા હોવાથી કાર્યકરોમાં તેઓ સારી પકડ ધરાવે છે. તેમજ ક્ષત્રિય સમાજમાં સારૂ પ્રભુત્વ ધરાવતાં હોવાથી ભાજપે સતત ચોથી વખત તેમને ટિકિટ આપી છે.

સોજિત્રા - મોવડી સાથેના સંબંધના સમીકરણ વચ્ચે જિલ્લા પ્રમુખને ટિકિટ ફાળવણીની હેટ્રિક
વિપુલ પટેલ એફ. વાય. બીકોમ,ખેડૂત
2017નું પરિણામ ભાજપ વિપુલ પટેલ કોંગ્રેસના ઉમેદવાર સામે 2388 મતથી હારી ગયા હતા
પસંદગીનું કારણ શું - સોજીત્રા બેઠક છેલ્લી બે ટર્મથી સામાન્ય મતોથી હારતા વિપુલ પટેલને સતત ત્રીજી વખત તક આપવામાં આવી છે. વિપુલ પટેલ છેલ્લા બે દાયકાથી ભાજપ સાથે સંકળાયેલા છે. તેઓ હાલ જિલ્લા ભાજપ પ્રમુખ છે. તેઓને કાર્યકાળ દરમિયાન જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ભાજપે હસ્તક કરી છે. તેમજ કાર્યકરને સાથે રાખીને કામ કરતાં હોવાની છાપ ધરાવે છે. આ ઉપરાંત પાટીદાર, ક્ષત્રિય સમાજમાં તેઓ વર્ચસ્વ સાથે મોવડી સાથેના સંબંધો પણ કામ કરી ગયા હોવાનું પણ કહેવાય છે.

ઉમરેઠ - ગત ચૂંટણીમાં 1883 મતોની સરસાઇથી જીત્યા, દેખાવ સુધારવા માટે વધુ અેક તક અપાઈ
​​​​​​​ગોવિંદ પરમાર 10 પાસ, ખેડૂત
2017નું પરિણામ ભાજપના ગોવિંદ પરમાર કોંગ્રેસના ઉમેદવાર સામે 1883 મતથી વિજેતા થયા હતા
​​​​​​​પસંદગીનું કારણ શું - ધારાસભ્ય ગોવિંદ પરમાર આ બેઠક પરથી કોંગ્રેસમાં બે વાર અને ભાજપમાંથી એક વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. જ્યારે એક વખત તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેઓ 10 વર્ષથી ભાજપ સાથે છે. ઉંમરેઠ તાલુકામાં ભાજપ સંગઠનને મજબૂત બનાવવામાં તેમનું મહત્વ યોગદાન રહેલ છે. ગત ટર્મમાં ત્રિપાંખિયા અંગનો ફાયદો થયો હતો. આ વખતે ઉંમરેઠ બેઠક પર આપ, કોંગ્રેસ, એનસીપી અને ભાજપ વચ્ચે જંગ હોવાથી ઉમેદવાર યથાવત રાખવામાં આવ્યા છે.

ખંભાત - 2017માં 2388 મતે જીત્યા બાદ સંગઠન મજબૂત બનાવતાં બીજીવાર ઉમેદવાર તરીકે પસંદગી
મહેશ રાવલ 10 પાસ, ખેડૂત
2017નું પરિણામ ભાજપના મયુર રાવલ કોંગ્રેસના ઉમેદવાર સામે 2388 મતથી વિજેતા બન્યાં હતા

​​​​​​​પસંદગીનું કારણ શું - આણંદ જિલ્લામાં 1990થી ખંભાતની બેઠક ભાજપનો ગઢ મનાય છે. છેલ્લી 6 ટર્મથી ભાજપના ઉમેદવાર જીતે છે. વર્ષોથી ભાજપ સાથે રહેલા મયુર રાવલે ખંભાતી તાલુકામાં ભાજપને મજબૂત બનાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા. ખંભાતમાં કોઇ એક જ્ઞાતિના મતદારો વધુ નથી. તમામ જ્ઞાતિના મતદારો છે. જેમાં ક્ષત્રિય, ઓબીસી, પટેલ, વાણીયા, બ્રાહ્મણ સહિતના મતદારો છે. ગત ટર્મમાં માત્ર 2388 મતેથી વિજેતા બનેલા મયુર રાવલને ભાજપે પુનઃ મેદાનમાં ઉતારી દાવ ખેલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...