મતદાન:પંડોળી સહિત અનેક ગામોમાં રાત્રિના 8 સુધી મતદાન ચાલ્યું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લાના કેટલાંક ગામોમાં મતદારો સાંજના 6 વાગ્યા સુધી મતદાન મથકોમાં પ્રવેશી ગયા હતા. જેને પગલે તેઓને મતદાન કરવા દેવામાં આવતાં રાત્રિના 8 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું.

આણંદ તાલુકામાં એકાદ બે છમકલાને બાદ કરતાં શાંતિપૂર્ણ મતદાન
આણંદ તાલુકાના સારસા, સામરખા, હાડુગડ અને ચિખોદરા સહિત 26 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શાંિતપૂર્ણ રીતે મતદાન થયું છે. સારસા ગામમાં ચૂંટણી બંધ રહી હોવાની અફવાએ જોર પકડયું હતું. મોડી સાંજ સુધીમાં 68.30 ટકા જેટલુ મતદાન થયું છે. અન્ય તાલુકા કરતાં મહિલાઓમાં ઓછું મતદાન થયું છે. જોકે ચિખોદરામાં બેનરને લઇ આચારસહિતા ભંગની ફરિયાદ થઇ હતી. છતાં લોકોએ મતદાન કરવામાં ઉત્સાહ દાખવ્યો હતો.

આંકલાવ તાલુકામાં પુરૂષો કરતાં મહિલાઓ 2 ટકા વધુ મતદાન કર્યું
આંકલાવ તાલુકાની 13 ગ્રામ પંચાયતોમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મથકો પર શાંતિપૂર્વક મતદાન પૂર્ણ થયું હતું. આંકલાવ તાલુકાના મતદાન મથકો પર વહેલી સવારથી પુરૂષો કરતાં મહિલા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

બોરસદ તાલુકામાં મતદાન કેન્દ્ર ખાતે એક જ રૂમમાં વ્યવસ્થા હોઈ લાંબી કતાર લાગી
બોરસદ તાલુકાના 39 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોએ મતદાન કરવા ઉત્સાહભેર લાઈનો લગાવી હતી. જેમાં મહિલાઓએ પણ મતદાન માટે લાઈનો લગાવી હતી. મતદાન કેન્દ્રો ખાતે એક જ રૂમમાં વ્યવસ્થા કરવામાં આવેલ હોઈ મતદાન કેન્દ્ર બહાર લાઈનો પડી હતી.

સંવેદનશીલ પેટલાદમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં હાશકારો અનુભવાયો
પેટલાદ તાલુકાની ૨૨ ગ્રામ પંચાયતના સરપંચ અને વિશ્નોલી ગ્રામ પંચાયતના પાંચ વોર્ડના સભ્યોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. પંડોળી ગામે રાત્રિના 8 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. જ્યારે પંડોળીની કુમાર શાળાના એક બુથમાં માધવપુરાની મહિલાઓનો બે-ત્રણ કલાક પછી પણ વારો ન આવતા ઘરકામમાં પરોવાયેલી મહિલાઓને ઘરે પરત જવાનો વારો આવ્યો હતો.પાળજ, પંડોળી, સિહોલ અને મહેળાવના કેટલાક બુથોમાં 6 વાગ્યા પછી પણ કતારોમાં ઉભા રહેલા મતદારોને ટોકન આપી મતદાન મથકોના મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી મતદાન પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.

લાંભવેલ ગામમાં પોલિંગ બુથ સ્ટાફે રીસેસ લેતા હોબાળો થયો
આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ પ્રકારે જાગરૂકતા અને સક્રિયતા દાખવાઈ હતી. ત્યારે આણંદના લાંભવેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોનો ઘસારો સતત વધતા મતદારોની લાંબી કતારો થઈ હતી. એક તરફ વધુ ઝડપી મતદાન કરી મતદારો પોતાની ફરજ પુરી કરવા માંગતા હતા, ત્યાં જ પોલિંગ બુથ સ્ટાફના તમામ કર્મચારીઓએ અચાનક રીસેસ પાડી દેતા મતદાન બંધ થઈ ગયું હતું. જેને લઈ ભારે હોબાળો મચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...