આજે મતદાનનો મહાજંગ:આણંદની 178 ગ્રામપંચાયતોમાં મતદાન શરૂ, 11 વાગ્યા સુધીમાં સૌથી વધુ તારાપુર અને સૌથી ઓછું બોરસદમાં મતદાન નોંધાયું

આણંદએક મહિનો પહેલા
  • ઘણી જગ્યાએ મતદારોનો ઘસારો વધતા પોલિંગ બુથમાં મતદાન કુટિર વધારવાની ફરજ પડી
  • ચિખોદરા ગ્રામ પંચાયતમાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે મતદાન કર્યું
  • ચિખોદરા પંચાયતની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ પહોંચતા મામલો ગરમાયો
  • નાયબ પોલીસ અધિક્ષકે સ્થળ પર પહોંચી કાયદો-વ્યવસ્થા જાળવવા તાકીદ કરી

આણંદ જિલ્લામાં આજે રવિવારે સવારે 7:00 વાગ્યાથી 178 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. સરપંચ પદ માટે 716 અને સભ્યપદ માટે 2580 ઉમેદવારો અને તેમના સમર્થકો ભારે રસાકસી વચ્ચે પોતાની તરફ મતદાન કરાવવા કામે લાગ્યા છે. ધીમે ધીમે મતદાનનો માહોલ જામી રહ્યો છે. ઘણી જગ્યાએ મતદારોનો ઘસારો વધતા પોલિંગ બુથમાં મતદાન કુટિર (પેટી) વધારવી પડી છે. નોંધનીય છે કે ચિખોદરા ગ્રામ પંચાયતમાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે મતદાન કર્યું હતું. જ્યારે એનસીપી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ(બોસ્કી)એ પણ મતદાન કર્યું હતું.

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે મતદાન કર્યું
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે મતદાન કર્યું

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં સવારે ધીમા મતદાન બાદ હાલમાં ઘસારો વધી રહ્યો છે. પેટલાદ તાલુકાના પંડોળી અને ધર્મજમાં મતદાન મથક ઉપર એક-એક મતકુટિર વધારવામાં આવી છે. સવારના 11 વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડા મુજબ તારાપુરમાં 27.81%, સોજીત્રામાં 21.99%, ઉમરેઠમાં 18.5%, આણંદમાં 22.09%, પેટલાદમાં 16.48%, ખંભાતમાં 24.31%, બોરસદમાં 7.83% અને આંકલાવમાં 24.22% મતદાન નોંધાયું હતું. જેના મુજબ તારપુરમાં સૌથી વધુ અને બોરસદમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

નોંધનીય છે કે આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતમાં કોંગ્રેસના સોજીત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમારે તારાપુર પંચાયત માટે સરપંચ પદે ઉમેદવારી કરી છે. તેમજ આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના પુત્રએ વાંસખેલીયા પંચાયતના સરપંચ પદે ઉમેદવારી કરી છે. આ સિવાય ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની પુત્રવધુએ ચિખોદરા પંચાયતના સરપંચ પદે ઉમેદવારી કરી હોવાથી તેમની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર છે. જ્યારે લાંભવેલમાં જિલ્લા ભાજપ મહિલા મોર્ચા પ્રમુખ દીપીકાબહેન પટેલ પણ સરપંચની હોડમાં છે. સામરખામાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન બળવંતસિંહ સોઢા પરમારનો પુત્ર ભાવીન સોઢા પરમાર સરપંચ પદનો ઉમેદવાર હોઈ ત્યાં પણ વધુ મતદાન થાય તે માટે ઉમેદવારો અને સમર્થકો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

ગ્રામપંચાયતની ચૂંટણીમાં ચુસ્ત આચાર સંહિતા હોવા છતાં પાછલા બારણે કૂટનીતિનો આખરી દાવ અમલમાં મુકાયો છે. પ્રતિષ્ઠિત ઉમેદવારોએ પોતાના ગઢ વિસ્તારમાં હરીફ ઉમેદવારો બાકોરું ન પાડી જાય તે માટે પોતાના સમર્થકો દ્વારા સામ, દામ, દંડ, ભેદની રણનીતિ અપનાવી છે. ખાસ કરીને ચિખોદરા ગ્રામપંચાયતની ચૂંટણીમાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની પુત્રવધૂ સરપંચ પદે ઉમેદવાર છે. જ્યાં એનસીપી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ(બોસ્કી) પહોંચ્યાં હતા. જ્યાં તેઓ કેટલાક મતદારો સાથે હળતાં-મળતા મામલો ગરમાયો હતો. જો કે નાયબ પોલીસ અધિક્ષક બી.ડી.જાડેજા પણ આવી જતા બંન્ને પક્ષોના સમર્થકોને ભીડ ન કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા તાકીદ કરી હતી.

પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ(બોસ્કી) મતદાન કરવા પહોંચ્યાં
પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ(બોસ્કી) મતદાન કરવા પહોંચ્યાં
અન્ય સમાચારો પણ છે...