આણંદ શહેરમાં રાજોડપુરા પાસે રહેતા મૂળ ઉમરેઠ તાલુકાના ઓડના ખેડૂતના મકાનને શનિવારે રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રૂપિયા 72500ની મતાની ચોરી કરી હતી. આ મામલે તેમણે ખંભોળજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી પગેરૂં શોધવાની કવાયત હાથ ધરી છે.
આણંદ શહેરના રાજોડપુરા વિસ્તાર સ્થિત પ્રાયોગી ટ્વીન્સ બંગ્લોમાં અરવિંદભાઈ ભીખાભાઈ પટેલ રહે છે. તેમનું મૂળ વતન ઓડ છે. જ્યાં નવાપુરા બસ સ્ટેન્ડ પાસે તેઓ પોતાનું મકાન ધરાવે છે. વતનમાં જમીન હોય ત્યાં તેઓ દરરોજ સવારે જાય છે અને સાંજે પરત ફરે છે. તેમના મકાનની દેખરેખ શીવાભાઈ પશાભાઈ ઠાકોરે રાખે છે.
રવિવારે સવારે શીવાભાઈએ તેમને ફોન કરીને તેમના ઘરે ચોરી થઈ હોવાની જાણ કરી હતી. જેને પગલે તેઓ તાબડતોડ ઓડ ગયા હતા. જ્યાં ઘરમાં જતાં જ તેમના પાછળના દરવાજાનું સેન્ટ્રલ લોક તૂટેલી હાલતમાં હતું. વધુમાં ઘરમાંથી 52 ઈંચનું ટીવી, બે ગેસના બોટલ, ત્રણ નંગ સ્પીકર, ઈલેક્ટ્રીક વજન કાંટો, કેમેરો મળીને રૂપિયા 72500ની મતાની ઘરવખરી ચોરાઈ હોવાનું માલૂમ પડ્યું હતું. આ મામલે તેમણે ખંભોળજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.