તસ્કરી:કાવિઠામાં ખેડૂતના મકાનમાંથી રૂપિયા 1 લાખની મતાની ચોરી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારજનો તાળું મારીને ઉપરના માળે સૂઈ ગયા હતા

બોરસદ તાલુકાના કાવિઠામાં ખેડૂતના મકાનને તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા એક લાખની મતાની ચોરી કરી હતી. આ મામલે બોરસદ ગ્રામ્ય પોલીસે ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કવોડ અને FSLની મદદ લઈ ચોરીનું પગેરૂં શોધવાની કવાયત હાથ ધરી છે.બોરસદના કાવિઠા ગામ સ્થિત સરકારી દવાખાના પાછળ રાજુભાઈ બચુભાઈ ઠાકોર પરિવાર સાથે રહે છે. તેઓ ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. રવિવારે રાત્રે તેઓ જમી પરવારીને ઘરને તાળું મારી ઉપરના માળે સુઈ ગયા હતા.

દરમિયાન, સોમવારે સવારે પાંચ વાગ્યે તેમની પત્ની ચંપાબેન નીચે ઉતર્યા હતા. જોકે, તેઓએ તેમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોતાં જ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે બુમરાણ મચાવી હતી. જેને પગલે તુરંત ઉપર સૂઈ રહેલાં રાજુભાઈ તેમજ તેમની માતા અને બાળકો સહિતનો પરિવાર નીચે આવ્યો હતો. આસપાસમાંથી પણ લોકોના ટોળાં સ્થળ પર ઉમટી પડ્યા હતાં. ઘરમાં તપાસ કરતાં તિજોરીનો તમામ સામાન પણ વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તસ્કરોએ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 15 હજાર મળી રૂપિયા 1.08 લાખની મતાની ચોરી કરી હોવાનું માલૂમ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...