કાર્યવાહી:આણંદમાં ઘાતક હથિયારો સાથે ખૂંખાર ગેંગ પ્રવેશી, SOGએ ભાલેજ રેલવે ફાટક પાસેથી બે શખ્સો દબોચ્યા

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે લોડેડ તમંચો, જીવતા કારતુસ સહિત હથિયારો કબ્જે લીધાં, ગેંગના સભ્યો અનેક લૂંટ, ધાડમાં સંડોવાયેલા

આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોડી રાત્રે ભાલેજ રેલવે ફાટક પાસેથી ઘાતક હથિયાર સાથે બે શખ્સની અટકાયત કરી હતી. આ શખસો લૂંટ, ધાડ કે અન્ય કોઇ મોટી ઘટનાને અંજામ આપવાના ઇરાદે આણંદ આવ્યાં હતાં અને આંતરરાજ્ય ગેંગ તથા રાજસ્થાનના અનેક ગુનામાં વોન્ટેડ છે. પોલીસે તેમની પાસેથી દેશી બનાવટના લોડેડ તમંચા, બે જીવતા કરતુસ સહિત પ્રાણઘાતક હથિયારો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે, એક નંબર પ્લેટ વગરની સફેદ કલરનું એક્ટિવા પર બે પરપ્રાંતીય ઇસમ પોતાની પાસે લોડેડ તમંચા અને મારક હથિયાર સાથે ચોરી કે લૂંટ કરવાના ઇરાદે સામરખાથી ભાલેજ થઇ ઓડ તરફ જઇ રહ્યાં છે.

આ બાતમી આધારે એસઓજીની અલગ અલગ ટીમ ભાલેજ રેલવે ફાટક પાસે વોચમાં ગોઠવાઇ હતી. આ દરમિયાન બાતમી વાળુ બાઇક આવતા તેને કોર્ડન કરી રોકવા જતાં તેઓ ગભરાયાં હતાં અને પુરઝડપે એક્ટિવા ભગાડ્યું હતું. જોકે, પોલીસ કર્મચારીએ સમયસુચકતા વાપરી એક્ટિવાને પાટુ મારતાં તેઓ પડી ગયાં હતાં. જોકે, હજુ ટીમ તેને પકડે તે પહેલા એક શખ્સે દેશી બનાવટનો તમંચો કાઢ્યો હતો, જ્યારે બીજાએ છરો કાઢ્યો હતો.

જોકે, પોલીસ જવાનોએ ચપળતા અને સમજદારીથી કામ લઇ બન્ને કોઇને ઇજા પહોંચાડે તે પહેલા પકડી પાડ્યાં હતાં. આ બન્નેની પુછપરછ કરતાં તે રીયાઝહુસેન નન્નેખા નશરૂખા ન્યારગર (રહે.પીપલીયા, મલાડગઢ, મધ્યપ્રદેશ) અને વિજય હરદાન મીણા (રહે.બસઇ, જયપુર) હોવાનું જાણવા મળ્યું હતું.

આ બન્ને પાસેથી પોલીસે તમંચો, બે જીવતા કારતુસ, રોકડા રૂપિયા 350, ધારદાર છરો, મોબાઇલ, એક્ટીવા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ શખસોમાં વિજય સામે શાહપુર, મનોહરપુરમાં ચોરી, આર્મ્સ એક્ટમાં ફાયરીંગ, લૂટના ગુનો નોંધાયેલાં છે.

એસઓજીએ અન્ય ચાર સાગરીતને પકડવા ચક્રો ગતિમાન કર્યા

સ્પેશ્યલ ઓપરેશ ગ્રુપ દ્વારા પકડી પાડેલા આંતરરાજ્ય ખુંખાર ગેંગના બે સભ્યોની પુછપરછમાં તેમના અન્ય ચાર સાગરીતના નામ ખુલ્યાં છે. જેમાં ભવરલાલ સુહાનકા (રહે.ચિત્તોડગઢ, રાજસ્થાન), રાજદીપ ઉર્ફે મોન્ટુ (રહે. સામરખા), મનીષ જયપાલ મીણા (રહે. બસઇ), વિજય ઉર્ફે માલસિંગ જગમાલ મીણા (રહે.બસઇ, રાજસ્થાન) નો સમાવેશ થાય છે. આ ચારેયને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે.

વીસથી વધુ ગંભીર ગુનામાં સંડોવણી
આંતરરાજ્ય ગેંગના વોન્ટેડ આરોપી એવા મનીષ મીણાં રાજસ્થાનના કોટપુતલી, સામોદ, નારાયણપુર. પાલડી, સાદંડેરાવ, રાયપુરા. સરૂપગંજ, સેદડા, કોતવાલી, સુભાષનગર, ઉદયપુર, સરૂંડ સહિતનાં પોલીસ મથકોમાં મારામારી, રાયોટીંગ, લુંટ જેવા 20 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવણી હોવાનું ખૂલ્યું છે. એ જ રીતે વિજય ઉર્ફે માલસિંગની પણ નીમરાના, શાહપુરા અને કોટપુતલી સહિતનાં પોલીસ સ્ટેશનોમાં ચોરી, આર્મ્સ એક્ટ, લુંટ, હત્યાનો પ્રયાસ સહિતના પાંચ ગુનાઓ તેમજ સામરખા ગામના રાજદીપસિંહ ઉર્ફે મોન્ટુ વિરૂદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં મારામારી, દારૂ તેમજ દેવગઢ બારીયા પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવણી હોવાનું ખૂલ્યું છે.

ભંવરલાલની હોટલ પર બંને જણાં બે-ત્રણ દિવસ પહેલાં જ મળ્યા હતા
વિજય મીણાં શાહપુરા પોલીસ મથકના ચોરી ઉપરાંત જયપુર જિલ્લાના મનોહરપુર પોલીસ મથકના ફાયરીંગ સાથે લૂંટના ગુનામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. વિજય મીણાં ડ્રાઈવિંગ કરે છે. જ્યારે તેની સાથેનો રીયાઝહુસૈન લસણની ફેરી ફરે છે. મૂળ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે. રીયાઝહુસૈનના જણાવ્યા અનુસાર, બે-ત્રણ દિવસ પહેલાં તેઓ ભવંરલાલની હોટલ પર મળ્યા હતા. રાજસ્થાનના ચિત્તોડગઢ કપાસર રોડ પર તેમની કાલીકા હોટલ આવેલી છે. ત્યાંથી મોપેડ લઈને આણંદ આવ્યા હતા. જ્યાં તેમણે આણંદ પહોંચી સામરખાના રાજદીપ ઉર્ફે મોન્ટુને ફોન કરી તે ટીપ આપવાનો હોવાનું કહ્યું હતું. હાલમાં પોલીસે સામરખાનો રાજદીપ ઉપરાંત ભવરલાલ સુહાનકા (ચિત્તોડગઢ રાજસ્થાન), મનીષ જયપાલ મીણા, વિજય ઉર્ફે મલસિંગ જગમાલ મીણા (બંને રહે. બસઈ તા. કોટપુતલી, રાજસ્થાન)ને પકડવાના બાકી છે.

અન્ય સમાચારો પણ છે...