બોરસદ નગરપાલિકા પાસે હનુમાનજી મંદિર અને અહેમદશા પાર્ટી પ્લોટ નજીકમાં આવેલા છે. જેની વચ્ચે એક 10 બાય 15ની પાલિકાની જગ્યા આવેલી છે. જેમાં અહેમદસા ટ્રસ્ટ દ્વારા સાફસફાઈ કરાવીને પ્લાસ્ટર કરાવવાની કામગીરી હાથ ધરી હતી. જેનો હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઇ પોલીસે બન્ને કોમના આગેવાનોને બોલાવી સમજાવટ કરી હતી અને કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. બંને કોમના અગ્રણીઓની દરમિયાનગીરીથી મામલો થાળે પડી ગયો હતો. પરંતુ આ દરમિયાન બન્ને કોમના ટોળા આ જગ્યા ઉપર ભેગા થઇ ગયા હતા. જેમાં બંને કોમના ટોળા વચ્ચે અગ્રણીઓ અને પોલીસની સમજાવટ બાદ પણ બોલાચાલી થઇ હતી અને થોડી જ વારમાં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જેને પગલે નાસભાગ મચી હતી.
આધેડ પર ચપ્પાથી હુમલો
આ સમયે મહાવીર નગર સોસાયટીમાં રહેતા 43 વર્ષીય દિનેશ કિશોરભાઈ શેઠના બરડાના ભાગે કોઈકે ચપ્પુ મારી દીધું હતું. જેને લઇ તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક 108માં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્ટેબીંગને પગલે ટોળામાં ગુસ્સો ફેલાયો હતો અને જોતજોતામાં બંને કોમના ટોળાં બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. જેમાં એક ટોળું વાવડી મોહલ્લા તરફ અને બીજું ટોળું જૈન દેરાસર કોલેજ પાસે પહોંચી ગયું હતું અને હાઇવે માર્ગ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
માહોલ તંગ બન્યો
આ સમયે 16 વર્ષીય મુકીમબેગ કલીમબેગ મીરઝા અને 18 વર્ષીય અરબાઝ અબરાર શેખ બાઈક પર અહીંયાથી પસાર થઇ રહ્યા હતા. જેઓને ટોળાએ આંતર્યા હતા અને તેમના પર ચપ્પાથી હુમલો કર્યો હતો. જેને લઇ બન્ને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને તાત્કાલિક સારવાર અર્થે બોરસદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. માથાકૂટની વાત ધીમે-ધીમે સમગ્ર ગામમાં પ્રસરી જતા માહોલ તંગ બન્યો હતો. દરેક વિસ્તારમાં લોકોના ટોળેટોળા રોડ ઉપર ઉમટી પડ્યા હતા.
આ દરમિયાન કાશીપુરા પોલીસ ચોકી પાસે બન્ને કોમના ટોળા મારક હથિયારો સાથે સામ-સામે આવી ગયા હતા. જોકે, સદનસીબે એસડીએમ અને મામલતદાર પહોંચી જતા ઘર્ષણ ટળ્યું હતું. પરંતુ ઠક્કરના દવાખાના બ્રાહ્મણવાળા પાસે બન્ને કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. પોલીસે ટોળાંને વિખેરવા માટે 50 જેટલા ટીયરગેસના સેલ અને 30 રબર બુલેટનું ફાયરિંગ કર્યું હતું. ત્યારે ટોળા વિખરાયા હતા. પોલીસે આ મામલે બંને પક્ષે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસની નિષ્ક્રિયતાને કારણે બોરસદ કોમી દાવાનળમાં લપેટાયું
બોરસદ શહેરમાં છેલ્લા બે દિવસથી માહોલ ગરમ હતો. જેમાં શુક્રવારના રોજ મુસ્લિમ સમાજ દ્વારા સમાજની દુકાનો અને વેપાર ધંધા બંધ પાડી ભાજપ પ્રવક્તાના વિવાદિત નિવેદનનો વિરોધ કર્યો હતો. પરંતુ બપોર બાદ અમુક તત્વો દ્વારા પોસ્ટરો રોડ ઉપર લગાવ્યા બાદ તેના પૂતળાનું દહન કરવામાં આવતા માહોલ તંગ બની ગયો હતો. પરંતુ પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. તેના બીજા દિવસે શનિવારે રાત્રે નગરપાલિકા પાસે આવેલ અહેમદશા પાર્ટી પ્લોટ અને હનુમાનજી મંદિર વચ્ચે આવેલ ખુલ્લી જગ્યા આરસીસી રોડ બનાવવા મુદ્દે નજીકમાં આવેલ શહીદ સર્કલ પાસે બન્ને કોમના ટોળા ભેગા થવા લાગ્યા હતા. જો તે જ સમયે પોલીસે ટોળાઓ વિખેરી દીધા હોત અને અગ્રણીઓ સાથે સમસ્યાનો સમાધાન કાઢ્યું હોત તો આજે શહેર કોમી દાવાનળમાં ના લપેટાયું હોત. પોલીસે ગંભીર ઘટનાઓ અને લોકોના ટોળા ભેગા થતા હોવા છતાં કોઈ જ તકેદારી રાખી ન હતી જેને લઇ મામલો બિચક્યો હતો.
તોફાની ટોળાંની તોડફોડ કરી લૂંટ
બોરસદ શહેરના ગાંધી પોળ અને ચોક્સી પોળ પાસે ડો.વિપુલ પટેલ અને ડો હરેશ પંડ્યાના દવાખાનામાં તોડફોડ કરી આગ ચાંપવામાં આવી હતી. તેમજ વસીમ વ્હોરાની અનાજ કરિયાણાની દુકાનને તોડી માલસામાનની લૂંટ કરવામાં આવી હતી. ટાઉન હોલ પાસે ઇમરાન મલેકની કોલ્ડડ્રીંકની દુકાનમાં તોડફોડ કરી લૂંટ કરી ફ્રિજ સહીતનો માલસામાન લૂંટી લેવામાં આવ્યો હતો. સમગ્ર રાત્રિ દરમિયાન શહેરમાં અનેક અફવાઓ ફેલાઈ હતી. જો કે પોલીસ દરેક સંવેદનસીલ પોઈન્ટો પર પોલીસ ખડકી દીધી હતી.
પથ્થરમારો કરનારાની ઓળખ મુશ્કેલ બની
શહેરના બ્રાહ્મણવાળા ઠક્કર દવાખાના વિસ્તારમાં બન્ને કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારા પહેલાં જ બ્રાહ્મણવાડા જૈન દેરાસર પાછળ અને રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો અને મંદિર બહાર લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખવામાં આવ્યા હતા. એ પછી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈ પથ્થરમારો કરનાર તત્વોની ઓળખ કરવી મુશ્કેલ બની છે.
અંજપાભરી શાંતિ વચ્ચે શહેર બંધ રહ્યું
રવિવારે શહેરમાં અજંપાભરી સ્થિતિ વચ્ચે સમગ્ર શહેર બંધ રહ્યું હતું. લોકોની સામાન્ય ચહલપહલ જોવા મળી છે. શહેર હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. રેન્જ આઇજી, ખેડા અને આણંદના DSP તેમજ જિલ્લાના DYSP,વડોદરા,ખેડા અને નડિયાદની 150 પોલીસ, બે એસઆરપી કંપની તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા ફાયર બ્રાઉઝર, ટીયર ગેસ, સેલ વાહન વ્રજ ઉપરાંત આધુનિક સાધનો સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.