ખંભાત તાલુકાના સાયમા ગ્રામ પંચાયતમાં ગેરરીતિ આચરાઇ હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં ભરવા માગણી કરવામાં આવી છે.
સાયમાના સંજય નરેન્દ્રભાઈએ આવેદનપત્રમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સાયમા ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા ગ્રાન્ટ અને સરકારી સહાયના નાણાનો ઉઘાડે છોડ દુરપયોગ કરી લાખો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી છે. ગામનું સરકારી ગોડાઉન કોઇ જ મંજુરી કે ઠરાવ વગર બારોબાર અન્ય વ્યક્તિને આપી દીધઉં છે. વોટર વર્ક્સના બારી બારણાં, પતરાં તથા અન્ય માલ સામાન કોઇ જ પરવાનગી વગર બારોબાર વેચી દીધો છે. જેના નાણા પંચાયતમાં જમા પણ કરાવવામાં આવ્યાં નથી.
ગામમાં 2015થી 2021 સુધી જાહેર, વ્યક્તિગત શૌચાલયો અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેટલા મકાન બાંધકામ કરવામાં આવ્યાં છે? જે મળવાપાત્ર યાદીનો ઉલ્લેખ કરાયો નથી. સાયમા ગામમાં આકારણી ઉઘરાવી તેની કોઇ જ પાવતી કે આવક રકમનો હિસાબ અને ક્યા ખાતામાં રૂપિયા જમા કરાયા છે? તેની કોઇ ગણતરીનો હિસાબ રજુ કરવામાં આવ્યો નથી.
14માં નાણા પંચની ગ્રાન્ટ અને ગ્રાન્ટના પૈસા ગામના ક્યા વિકાસ કામમાં વપરાયા છે? તેનો કોઇ હિસાબ નથી. જે નાણાનો દૂરપયોગ કરવામાં આવ્યો છે. સાયમા ગામ અંદરના વિસ્તારમાં ઉભા કરાયેલા દબાણો સામો કઇ કાર્યવાહી થતી નથી. બસ સ્ટેન્ડને તોડી દુકાનો બનાવી દેવામાં આવી છે. આથી, ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તપાસ થાય અને તાત્કાલિક આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.