પહેલ:ખંભાતના આદિવાસી પરિવારની વ્હારે નોલેજ સંસ્થા

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાનો જ નહીં પણ જ્યાં સુધી ભણે ત્યાં સુધીનો ખર્ચો ઉઠાવવાની પહેલ

ગત 20મી નવેમ્બરે વહેલી સવારે ધોળકાના વારણા પાસે ટેન્કર-કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મોચીવાડ ખાતે રહેતા એક જ પરિવારના ચાર સભ્યો અને નાના કલોદરા ખાતે રહેતાં યુવક સહિત પાંચ લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે પરિવારના બે બાળકોનો બચાવ થયો હતો. આ બનાવમાં પરિવારમાં મોભી ગુમાવતાં ઈજાગ્રસ્તોના હોસ્પિટલના ખર્ચા તથા બાળકોના ભણતર સહિતના ખર્ચને લઈને પ્રશ્નાર્થ સર્જાયા હતા.

મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતા આદિવાસી પરિવાર પર સંકટના આભ તૂટી પડ્યું છે. સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્ત પ્રિયાંસી ઉર્ફે ધ્રુવીશા અને નીતિનભાઈ બંને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને બચાવવા ઓપરેશન માટે નાણાં ન હોઈ આદિવાસી પરિવારજનો કફોડી પરિસ્થિતિમાં સપડાયા છે. આ ઉપરાંત પ્રિયાંશીના ભાઈ સ્મિતને સારૂં હોઈ હોસ્પિટલમાંથી રજા અાપી દેવાઈ છે. આમ, પ્રિયાંશી અને તેના કાકા નીતિનભાઈના હોસ્પિટલને લગતા ખર્ચને લઈ તથા પ્રિયાંશી અને તેના ભાઈ સ્મિતનો ભણતરનો ખર્ચ કેવી રીતે ઉઠાવવો તે બાબતને લઈને અસમંજસ હતી. દરમિયાન, બીજી તરફ સમગ્ર બાબતનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થતાં જ શૈક્ષણિક સંસ્થા નોલેજ દ્વારા બંને ભાઈ-બહેનનો ભણવાનો તથા રહેવા-ખાવા-પીવાનો તમામ ખર્ચ ઉઠાવવાની પહેલ કરાઈ છે.

આ અંગે નોલેજ ગ્રૂપના વડા રાજેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, માત્ર પ્રાથમિક, માધ્યમિક જ નહીં, પરંતુ તેઓ જ્યાં સુધી ભણે, અલબત્ત, વિદેશમાં ભણવા જવાનું હોય તો ત્યાં સુધીનો પણ ખર્ચ સંસ્થા ઉઠાવશે. આ ઉપરાંત ખંભાત સ્થિત નોલેજ સ્કુલમાં કે પછી આણંદની સંસ્થામાં તેમને ભણવું હશે કે રહેવું હશે તો તેનો ખર્ચ પણ સંસ્થા ઉઠાવશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ખંભાત કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર, ભાજપ ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ
ખંભાત કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતક પરિવારજનોને રોકડ રકમ તેમજ ઇજાગ્રસ્તો સારવાર કરી શકે તે માટે રોકડ સહાય આપવા બાબતે ખંભાત મામલતદારને આવેદનપત્ર થકી રજુઆત કરવામાં આવી હતી.જે દરમિયાન આણંદ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ-ખુશમનભાઈ પટેલ, કોંગ્રેસ કાઉન્સિલર-નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, ચંદુભાઈ કડિયા, સહિતના કોંગ્રેસ કાર્યકર્તા, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એ જ રીતે બીજી તરફ ખંભાતના ધારાસભ્ય મયુરભાઈ રાવલ દ્વારા પણ સોમવારે મુખ્યમંત્રીને લેખિત પત્ર લખી પીડિતોને રાહત ફંડમાંથી સહાય ચૂકવવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...