ઓનલાઈન ખરીદી કરતા પહેલા સાવધાન:વાસણાના યુવકે ઓનલાઈન ખરીદી કરવા જતા 37 હજાર ગુમાવ્યા, અજાણી લીંક પર પેમેન્ટ કરવું ભારે પડ્યું

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાત તાલુકાના વાસણા ગામે પ્રાથમિક શાળા પાછળ રહેતા યુવકે ઓનલાઇન ઇયર બડસનું પેમેન્ટ કરવા લીંક ખોલી હતી. જેના પગલે તેના ખાતામાંથી રૂ.37 હજાર જેવી રકમ ઉપડી ગઈ હતી. આ અંગે યુવકે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

ખંભાતના વાસણા પ્રાથમિક શાળા પાછળ રહેતા રાહુલકુમાર ભઇલાલભાઈ પરમાર ખેતી કરે છે. તેમના મિત્ર દીપક મફતભાઈ પરમારે 5મી માર્ચના ફોન કરી જણાવ્યું હતું કે, એમેઝોનમાં વન પ્લસ કંપનીના ઇયર બડસ રૂ.2900ના માત્ર 99માં વેચાણ મળે છે. જે લીંક મોકલું છું. આ વાતચીત બાદ તેણે લીંક મોકલી હતી. આ લીંક રાહુલકુમારે ઓપન કરતાં એમેઝોન કંપનીની લીંક હોવાનું જણાયું હતું. જેથી લીંક પર ઓર્ડર નોંધાવતા બેંકની વિગતો મંગાવવામાં આવી હતી. જેનો ઓટીપી આવતા તે મોકલી આપ્યો હતો. જે મોકલતા સાથે જ બેંક એકાઉન્ટમાંથી રૂ.12,279 કપાઇ ગયાં હતાં. બાદમાં એક પછી એક એમ કુલ રૂ.37,525.63 બેંકમાંથી કપાઇ ગયાં હતાં. જેથી તપાસ કરતાં ભળતી લીંક હોવાનું જાણવા મળ્યું હતું. આમ ગઠિયાએ એમેઝોનના નામે ભળતી લીંક બનાવી ઠગાઇ કરી હતી. આ અંગે રાહુલકુમાર પરમારની ફરિયાદ આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે અજાણ્યા ગઠિયા સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...