તારાપુર - વાસદ ધોરીમાર્ગ પર પેટલાદના વડદલા ગામ પાસે ટેન્કર પાછળ કાર ઘુસી જતાં તેમાં સવાર વડોદરાના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યાં હતાં. જ્યારે પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
વડોદરા ખાતે રહેતા વણઝારા પરિવારના આઠ જેટલા સભ્યો શનિવારના રોજ સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા કારમાં નિકળ્યાં હતાં. તેઓ દર્શન કરી રવિવાર સવારે વડોદરા પરત ફરી રહ્યાં હતાં. જોકે, તારાપુર - વાસદ ધોરી માર્ગ પર ધર્મજ ચોકડી નજીક વડદલા પાસે પહોંચ્યાં તે સમયે એક બંધ પડેલું ટેન્કર રસ્તા વચ્ચે જ પડ્યું હતું. આ ટેન્કર પાછળ ધડાકાભેર કાર ઘુસી ગઇ હતી. આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે કારનો આગળના ભાગનો બુકડો થઇ ગયો હતો અને તેમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. આ અકસ્માતના પગલે કારમાં સવાર વ્યક્તિઓએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. બચાવ કામગીરી શરૂ કરી ઘવાયેલા પાંચ જેટલી વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.
પેટલાદ રૂરલ પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં રામુભાઈ વજેસીંગ વણઝારા (ઉ.વ.50), હિરલ રામુભાઈ વણઝારા (ઉ.વ.22) અને વિનોદ લક્ષ્મણભાઈ વણઝારા (ઉ.વ.29)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ઘવાયેલા ધીરજ વિનોદભાઈ વણઝારા, ગીતાબહેન રામસીંગ વણઝારા, શૈલેષ રામસીંગ વણઝારા, જાગૃતિબહેન રામસિંગ વણઝારા અને રંજનબહેન વિનોદભાઈ વણઝારાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.