લોકજાગૃતિ:વલ્લભ વિદ્યાનગર જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી ખાતે પોક્સ કાયદા અંગે માર્ગદર્શન અપાયું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિજીટલ યુગમાં બાળકો પ્રત્યે જાતિય સતામણીના કૃત્યો વધ્યા છે ,જાતીય સતામણીના કેસ નાથવા કાયદાની જાણકારી જરૂરી છે : ન્યાયમુર્તિ નિરલ મહેતાએ

આણંદ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી, વલ્લભ વિદ્યાનગર ખાતે કાનુની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્યમાં સ્કુલ અને કોલેજના વિદ્યાર્થીઓ કાયદા પ્રત્યે વધુ સજ્જ અને જાગૃત બને તેવા આશયથી તા. 27 સપ્ટેમ્બર 2022 થી તા. 20 ઓક્ટોબર 2022 સુધી ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આણંદ જિલ્લાની જી.એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે પોક્સો કાયદા અંગેની જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ બિરેન વૈષ્ણવએ જણાવ્યુ કે જીવનમાં વાંચનનું ખુબ જ મહત્વ રહેલુ છે. મોબાઈલ અને ઈન્ટરનેટ આવ્યા પછી આપણે સાહિત્ય ભૂલી ગયા છીએ. વધુમાં તેમણે મોબાઇલના લીધે બાળકોના માનસ પર વિપરીત અસર થાય છે, જેના લીધે બાળક ગુનો કરી બેસતા હોય છે.

આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ નિરલ મહેતાએ જણાવ્યુ કે હાલના ડિજીટલ યુગમાં બાળકો પ્રત્યે જાતિય સતામણીના કૃત્યો વધ્યા છે. આવા કૃત્યોને નાથવા માટે દરેકને કાયદાની જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. વધુમાં તેમણે જાતિય સતામણીને રોકવા માટે છોકરાઓની જેટલી જવાબદારી છે તેટલી જ જવાબદારી છોકરીઓની છે તેમ જણાવી વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના ઘડતર ઊપર ધ્યાન કેન્દ્રીત કરવા અનુરોધ કર્યો હતો.

આણંદના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ટી.આર. દેસાઈએ પોક્સો કાયદાની જાણકારી આપતા જણાવ્યુ કે 18 વર્ષથી નિચેની કોઇ પણ વ્યક્તિ કાયદાની ભાષામાં બાળકમાં આવે છે. આ કાયદા હેઠળ યૌન સંબંધિત ગુનાઓ જેવા કે બાળકનો પીછો કરવો, ના ગમતુ બતાવવું, ખરાબ રીતે જોવું, અડપલા કરવા, અશ્લિલ ગીત ગાવા, અપશબ્દનો પ્રયોગ કરવો વગેરે માટે દંડની જોગવાઈ કરવામાં આવેલ છે.તેમણે વધુમાં જણાવ્યુ કે પિડિત બાળકો પૈકી 85% બાળકો ઓળખીતા અને નજીકના લોકોથી જ જાતિય સતામણીનો ભોગ બનતા હોય છે, એટલે જ બાળકોને જાતિય સતામણી અંગે જાગૃત કરવા જરૂરી છે.

આણંદના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. એ. નકુમએ જણાવ્યુ હતું કે 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી કોઇ પણ વ્યક્તિની સાથે તેની સહમતીથી સંબંધ બાંધ્યો હોય તો પણ આ કાયદા હેઠળ ગુનો બને છે. લોકોને આ કાયદો અને તેની જોગવાઈઓ વિશે માહિતગાર કરવા ખુબ જ જરૂરી છે તેમ કહી જો લોકો જાગૃત થશે તો જ બાળકો સાથે જાતિય સતામણીના ગુના અટકશે.

આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભવોએ વિદ્યાર્થિઓએ સાથે પ્રશ્નોત્તરી કરી મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિશ વી.બી.ગોહિલ, ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના પુર્વ પ્રમુખ સી. કે. પટેલ, આણંદ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ એ.જી.શેખ, ચારૂતર વિદ્યામંડળના મંત્રી એસ.જી.પટેલ, ચારૂતર વિદ્યામંડળના આચાર્યગણ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામને પોક્સો કાયદા અંગેની માહિતી પત્રિકા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...